• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના

જસ્ટિસ સંજીવ ખન્નાએ રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના ચીફ જસ્ટિસ પદના શપથ લીધા છે. જસ્ટિસ સંજીવ ખન્ના સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ છે. ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે નામ સૂચવ્યું હતું. રવિવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયા છે. 2005માં દિલ્હી હાઈકોર્ટના વધારાના જજ તરીકે જસ્ટિસ ખન્નાની નિમણૂક કરવામાં આવ્યા પછી 2006માં તેઓ કાયમી ન્યાયાધીશ બન્યા હતા, તેમના કાર્યકાળ દરમ્યાન ન્યા. ખન્નાએ દિલ્હી ન્યાયિક એકેડમી, દિલ્હી ઈન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર અને ડિસ્ટ્રીક્ટ કોર્ટ આર્બિટ્રેશન સેન્ટર્સમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.  જસ્ટિસ સંજીવ ખન્ના ખુદ પણ તેમના પૂરોગામી ચંદ્રચૂડની જેમ જજોની ફેમિલીથી આવે છે, તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટના જજ હતા. આ ઉપરાંત તેમના કાકા એચ.આર. ખન્ના પણ સુપ્રીમ કોર્ટના જજ હતા. મુખ્ય ન્યાયાધીશ બનેલા સંજીવ ખન્નાને કાયદા ક્ષેત્રમાં 40 વર્ષથી વધુનો અનુભવ છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ અત્યાર સુધી જે ચુકાદા આપ્યા છે, એમાં તેમની નીડરતાની છાપ સ્પષ્ટ જણાય છે. કદાચ આ નીડરતા વારસામાં પણ મળી છે, 1975ની કટોકટી દરમ્યાન તેમના કાકા એચ.આર. ખન્નાએ એડીએમ, જબલપુર વિરુદ્ધ શિવકાંત શુક્લાવાલા કેસમાં જે ચુકાદો સંભળાવ્યો હતો, તે ઇન્દિરા ગાંધી સરકારને સહન નહોતો થયો અને તેઓ ચીફ જસ્ટિસ હોવાને પાત્ર હોવા છતાં પણ બઢતી નહોતી આપવામાં આવી અને તેમનાથી જુનિયરને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બનાવી દેવામાં આવ્યા હતા. 48 વર્ષ જૂના કેસમાં વકીલ શિવકાંત શુક્લાને જેલ મોકલી આપવામાં આવ્યા હતા, તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ જબલપુર હાઈકોર્ટમાં ગયા તો કોર્ટે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો અને કહ્યું હતું કે, જીવનના અધિકારથી કોઈને પણ વંચિત ન રાખી શકાય. આ પછી આ કેસ સુપ્રીમ કોર્ટ ગયો, તો ત્યાં પણ જજોની બેન્ચે ચુકાદો આપ્યો, જેમાંથી ચાર જજોએ બહુમતથી હાઈકોર્ટના ચુકાદાને ઊલટાવી નાખ્યો હતો, પરંતુ બેન્ચમાં સામેલ એકમાત્ર જજ એચ.આર. ખન્નાએ અલગ ચુકાદો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, બંધારણ દ્વારા આપવામાં આવેલા જીવનના અધિકારથી કોઈને પણ વંચિત કરી શકાય નહીં. આ ચુકાદા પછી 42 વર્ષ પછી સુપ્રીમ કોર્ટે પુટ્ટાસ્વામી કેસ ફરી વ્યક્તિગત સ્વતંત્રતાને બહાલ કરી હતી. અહીં ઉલ્લેખ કરવો ઘટે કે, બિલ્કિસબાનો કેસનો ચુકાદો આપનારી બેન્ચમાં ન્યા. સંજીવ ખન્ના હતા. એમણે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા હતા. વીવીપેટ, કલમ 370 હટાવવા બાબત સુનાવણી કરનારી બેન્ચમાં પણ તેઓ હતા. સુપ્રીમ કોર્ટના કાર્યકાળમાં 90થી વધુ કેસમાં તેમણે ચુકાદા આપ્યા છે. ફક્ત સમલૈંગિક વિવાહ પ્રકરણમાંથી ન્યા. ખન્ના દૂર થઈ ગયા હતા. ન્યા. ખન્નાને છ મહિનાનો કાર્યકાળ મળ્યો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang