• શનિવાર, 07 ડિસેમ્બર, 2024

ચૂંટણીમાં રેવડીના પ્રભાવને દૂર કરવાની ખાસ જરૂરત

વિશ્વભરની લગભગ તમામ લોકશાહીઓમાં ચૂંટણીનાં ચાવીરૂપ પર્વ સાથે રાજકીય પક્ષોમાં મતદારોને રિઝવવા માટે વચનોની લ્હાણી કરવાની કોઇ કચાશ ન રાખવાનો વ્યૂહ પ્રચલિત બની ચૂક્યો છે. ભારતમાં તો મતદારોને મતદાન પૂર્વે કિંમતી ભેટો અને વિજય બાદ આકર્ષક લાભો આપવાના વચનોની રેવડી ચૂંટણીઓમાં મહત્ત્વની બાબત બની ચૂકી છે. એક સમયે દક્ષિણનાં રાજ્યોમાં શરૂ થયેલો સાડીથી મંગળસૂત્ર સુધીની ભેટોનો સિલસિલો આખા દેશમાં ફેલાવા લાગ્યો છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં વચનોનો અંબાર મતદારો માટે પીરસાઇ જતા લોકશાહીના મૂળ સિદ્ધાંતો જોખમમાં મુકાતા જણાયા હતા. ઝારખંડમાં પ્રચાર શાંત થઇ  ગયો છે, પણ મહારાષ્ટ્રમાં હજી ચરમસીમાએ છે, ત્યારે રેવડીનાં વચનો આપવમાં તમામ પક્ષો એકમેકની સાથે સ્પર્ધામાં ઊતર્યા હોય તેવો તાલ સર્જોયો છે. સત્તામાં આવ્યા બાદ આ જ પક્ષોને તેમનાં વચનોને પાળવામાં વાસ્તવિક્તાનો અનુભવ થતો હોવાના કિસ્સા સામે આવતા થયા છે. લોકશાહીમાં ચૂંટણી માટે વચનોની લ્હાણી કરવાના ચલણની સામે નારાજગી વ્યક્ત કરતા રાજકીય પક્ષો પોતે પણ આવી કોઇ  તક જતી કરતા નથી હોતા, પણ ચૂંટણી પછી સત્તા આવે ત્યારે રાજકીય પક્ષો આ વચનોનાં પાલન માટે હાથ ઊંચા કરી દેવા કે તેમાં તકલીફ નડતી હોવાનું ગાણું ગાવાની કોઇ તક જતી કરતા નથી હોતા. તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક નિવેદન કરીને તેમના પોતાના પક્ષના કર્ણાટકમાં ચૂંટણી વચનોની પોલ ખોલી નાખી હતી. બન્યું એવું હતું કે, કર્ણાટકની કોંગ્રેસ સરકાર મહિલાઓને મફત બસ સેવાની યાજના બંધ કરવા વિચારતી હોવાનો ખડગેએ ઉલ્લેખ કર્યો, તેમણે રાજ્યના નેતાઓની આડકતરી રીતે ઝાટકણી કાઢતાં કહ્યંy કે, રાજ્યના બજેટને જોઇને ગેરંટી આપવી  જોઇએ. બજેટની ક્ષમતા કરતાં વધુ ગેરંટી આપશો તો દિવાળું કાઢવું પડશે એવી સ્પષ્ટ વાત કોંગ્રેસ અધ્યક્ષે તેમના પક્ષના શાસન હેઠળની કર્ણાટક સરકારને કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે તરત જ ખુલાસો કર્યો કે, મહિલાઓને બસ સેવા આપતી શક્તિ યોજના બંધ નથી કરાઇ રહી તેની સમીક્ષા થઇ રહી છે. જો કે, તીર છૂટી ચૂક્યું હતું. કોંગ્રેસી નેતાઓ અશક્ય વચનો આપતા હોવાના મુદ્દાને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડ અને મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં વણી લીધો, તો કોંગ્રેસી નેતાઓ પણ સામે મેદાનમાં ઊતરી ગયા હતા, જે હોય તે પણ ખડગેએ કરેલી વાત પર ખુદ કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોએ ધ્યાને લેવાની ખાસ જરૂરત છે. સત્તા પર આવ્યા બાદ અવાસ્તવિક વચનોના અમલથી સરકારી તિજોરી પર આવતા બોજાનો અનુભવ દિલ્હી સરકારે પણ કર્યો છે. મફત વીજળીનાં વચનમાં ફેરફાર કરાયો હોવાની વિગતો સામે આવતી જાય છે. ખેરખર તો રાજકીય પક્ષોએ હવે મતદારોને ગેરમાર્ગે દોરવા ખોટાં વચનો આપવાથી અળગા રહેવાની ખાસ જરૂરત છે, તેની સાથોસાથ મતદારોએ સાચાં અને ખોટાં વચનોની રેવડી વચ્ચેનો ફરક સમજવાની પરિપક્વતા કેળવવાની ખાસ જરૂરત છે. આમ થશે તો લોકશાહીનાં પર્વને લાગી રહેલા રેવડીના ગ્રહણથી મુક્તિ અપાવી શકાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang