રાષ્ટ્રના વિકાસમાં પરિવહન સુવિધા અને સુગમતા ચાવીરૂપ બાબત છે.
મોદી સરકાર માર્ગનિર્માણ ક્ષેત્રે ઝડપી કામ કરી રહી છે, એ સાથે રેલવેનાં આધુનિકીકરણ
ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેનનું સપનું સાકાર થાય ત્યારે, એ પહેલાં
દેશનાં મહત્ત્વનાં શહેરોને વંદે ભારત અને મેટ્રો જેવી આધુનિક - ઝડપી ટ્રેનોનો લાભ મળી
રહ્યો છે. ગુજરાતની મુલાકાત દરમ્યાન તેમણે ગાંધીનગર - અમદાવાદ મેટ્રો લાઇનનું લોકાર્પણ
કર્યું. આનાથી સ્થાનિક લોકો, અપ - ડાઉન કરનારા કર્મચારીઓ, કારોબારીઓ અને વ્યવસાયકારોને
ખૂબ ફાયદો થશે. એવી જ રીતે, ભુજ અને અમદાવાદને જોડતી નમો ભારત રેપિડ ટ્રેનના પ્રારંભ
સાથે કચ્છ રેલવે નવા યુગમાં પ્રવેશી?છે. શિક્ષણ, સામાજિક કામ અને મેડિકલ સારવાર માટે
કચ્છ ઘણે અંશે અમદાવાદ આધારિત છે. રેપિડ ટ્રેન ખૂબ ઝડપી અને સારી સગવડ પૂરી પાડે છે.
ખાસ તો, મુંબઇ ટ્રેન દ્વારા એક જ દિવસે પહોંચી શકાશે અને પરોઢે ભુજથી નીકળ્યા પછી વિમાન
પકડીને બપોર સુધી મુંબઇ લેન્ડ થઇ?શકાશે. કચ્છના લોકોમાં લાંબા સમયે ખુશીની રેલ દોડી
છે.