• શનિવાર, 12 ઑક્ટોબર, 2024

વડાપ્રધાન ગણેશ પૂજા કરે તો ન્યાયમંદિર અભડાઈ જાય?

આઝાદી પછી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર, નવનિર્માણ થયું. સ્વ. કનૈયાલાલ મુન્શીના સંકલ્પની આ સિદ્ધિ હતી, પણ તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ ઉત્સવમાં સામેલ થઈ શકે કે નહીં? આ વિવાદ હતો - વડાપ્રધાન નેહરુ `પ્રખર સેક્યુલરવાદી' હતા અને એમની નામરજી - નામંજૂરી હોવા છતાં ડો. રાજેન્દ્ર પ્રસાદે સોમનાથની યાત્રા અને પૂજા, અર્ચના કરી હતી. હવે આજના વિપક્ષી નેતાઓ - વડાપ્રધાન મોદી - મુખ્ય ન્યાયમૂર્તિનાં નિવાસસ્થાને જઈને ગણેશ પૂજા કરે - તેનો વિરોધ કરી રહ્યા છે! વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના વડા ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડનાં નિવાસસ્થાને ગણેશદર્શન અને આરતી કરી તેથી વિપક્ષી નેતાઓ ભડકી ઊઠયા છે! વડાપ્રધાન ચીફ જસ્ટિસનાં ઘેર ગણેશજીની પૂજા, અર્ચના કરવા જાય તો ન્યાયમૂર્તિ અને ન્યાયતંત્રની નિષ્પક્ષતા અભડાઈ જાય એવો તુચ્છ સંદેશ વિપક્ષી નેતાઓ આપી રહ્યા છે. આમાં વડાપ્રધાન અને મુખ્ય ન્યાયમૂર્તિનું અપમાન થાય છે. ન્યાયમંદિરમાં શ્રદ્ધા ડગાવી દેવાનો આ નિમ્ન કોટિનો પ્રયાસ છે. ભાજપે વિપક્ષ પર વળતો હુમલો કરતાં કહ્યું છે કે, વડા ન્યાયાધીશનાં ઘરે ગણેશ પૂજામાં આરતી કરવી એ કોઈ પાપ નથી. રાહુલ ગાંધીનાં ભારતવિરોધી વક્તવ્યો ચલાવી લેનાર અને ગણેશોત્સવ પર હુમલાની ઘટનાઓ વિશે સગવડિયું મૌન ધારણ કરનારી ઈકોસિસ્ટમ, વિપક્ષી નેતાઓ ન્યાયતંત્ર માટે સચિંત થઈ ગયા છે! `એક્સ' હોય, `ફેસબૂક' હોય, `ઈન્સ્ટાગ્રામ' હોય, પેનલ ચર્ચા હોય, આ બધા મોરચે `દેશનું ન્યાયતંત્ર વેચાઈ ગયું છે.' એવી બોગસ કાગારોળ મચાવવાનો પ્રારંભ કર્યો હતો. વડા ન્યાયાધીશનાં ઘરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગણેશ આરતી કરતાં જોઈ હવે ન્યાયતંત્ર મોદી સરકારનું હોવાનો બાલીશ આરોપ કર્યો, તો મુખ્યત્વે ઉદ્ધવ સેનાના નેતાઓએ `િશવસેના કેસમાં અમને ન્યાય નથી મળવાનો' એવી રડારોળ કરી છે. બૂમાબૂમનો સૂર જાણે હવે વડા ન્યાયાધીશ બીજા દિવસથી ભાજપના દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલાં મુખ્યાલયમાં જઈ બેસશે કે શું એવો હતો! વડા ન્યાયાધીશનાં ઘરે ગૌરી ગણપતિનાં દર્શન કરવા વડાપ્રધાન જાય એ ઘટના ભારતીય લોકશાહીની શક્તિ અને ભક્તિ દર્શાવે છે. ધર્મનિરપેક્ષતાનાં તકલાદી ચશ્માંથી જોવાની બિલકુલ આવશ્યકતા નથી. આપણા ન્યાયતંત્રનું બોધવાક્ય `યતો ધર્મસ્યતો જય' એવું મહાભારત જેવા હિન્દુ ગ્રંથમાંથી લીધું છે. વડાપ્રધાનની આ મુલાકાત અને દર્શનનો જબરદસ્ત આંચકો વિરોધીઓને લાગ્યો છે. 4 જૂન પછી પ્રથમ વખત મોદીએ પોતાની ખાસ શૈલી `આંચકાતંત્ર'નો પ્રયોગ કર્યો છે. પરિણામે મોદી સરકાર નબળી પડી હોવાનો દાવો કરનારા ભારે અકળાયા છે. નજીકના ભૂતકાળમાં આવું ન્યાયમૂર્તિ ગોગોઈ અને ન્યાયમૂર્તિ બોબડેના વિશે પણ બન્યું હતું. હવે વર્તમાનમાં ચંદ્રચૂડ નિશાન બન્યા છે, પણ માજી વડા ન્યાયાધીશ યશવંત ચંદ્રચૂડનો વારસો જેને મળ્યો છે તે ન્યા. ધનંજય ચંદ્રચૂડ આવી ટીકા ટિપ્પણની કોડી જેટલી પણ કિંમત નહીં કરે તેની ખાતરી છે. આશ્ચર્ય એ વાતનું થાય છે કે, ભૂતકાળમાં વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ પણ તત્કાલીન વડા ન્યાયાધીશ દ્વારા આયોજિત ઈફ્તાર પાર્ટીમાં ગયા હતા. હવે વડાપ્રધાન મોદીની ગણેશ આરતીથી ખફા થાય છે તે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો એક શબ્દ પણ બોલ્યા નહોતા. ખુદ હાલની સંસદમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી હિન્દુ મંદિરોની મુલાકાતે નીકળ્યા અને જનોઈધારી બ્રાહ્મણની ભૂમિકા ભજવી ત્યારે આ લોકો હોઠે તાળાં મારીને બેઠા હતા. રાહુલને સેક્યુલરનો શિરપાવ આપ્યો હતો, તો પછી વડાપ્રધાન મોદી દ્વારા ગણેશ આરતીને લઈ આટલો બધો ઊહાપોહ શા માટે? રાહુલ ગાંધી અમેરિકામાં ભારતવિરોધી સાંસદ ઈલ્હાન ઉમરની મુલાકાત અને ભારતવિરોધી ભાષણો કરે છે, તો પણ તેની સામે વિપક્ષના નેતાઓના હોઠ ફફડતા નથી! આ પરથી સ્પષ્ટ થાય છે કે, વિપક્ષને મોદીની ગણેશ આરતી અસહ્ય લાગે છે. શું વિપક્ષો એમ કહેવા માગે છે કે, વડાપ્રધાન અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વચ્ચે ખાનગી કાર્યક્રમોમાં કોઈ પણ પ્રકારનો મેળ મિલાપ ન હોવો જોઈએ? શું ગણેશ આરતી કરવા વડાપ્રધાનને પણ નિમંત્રિત નહોતા કરવા જોઈતા?!

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang