• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

મોસમની અકળ વિચિત્રતા

ચોમાસું જામી ચૂક્યું છે, તેની સાથે દેશમાં મોસમનો વિનાશક મિજાજ ભલભલાને થથરાવી રહ્યો છે. ભારે વરસાદ અને તેને પગલે પૂર અને જમીન ધસવાના બનાવોએ ઉત્તર ભારતનાં કુલુથી દક્ષિણ ભારતનાં કેરળ સુધી વિનાશ વેર્યો છે. ભારે મૂશળધાર વરસાદને પગલે ઠેરઠેર પૂરની પરિસ્થતિ સર્જાઇ છે. એક તરફ વાયનાડમાં જમીન ધસવાના ગમખ્વાર બનાવમાં મૃત્યુઆંક 300ને પાર કરી ગયો છે, તો કુલુમાં પણ લોકોનો ભોગ લેવાયો છે. રાજધાની દિલ્હીમાં 24 કલાકની અંદર દસ જણાએ જીવ ગુમાવ્યાના અહેવાલ છે.  દેશનાં સાત રાજ્યમાં વરસાદની તારાજી સામે આવી રહી છે.  તાજેતરનાં મોસમનાં રૌદ્ર સ્વરૂપને જોતાં તેને અનુરૂપ પર્યાવરણીય સમજ કેળવવાની જરૂરત સામે આવી રહી છે. ક્યારેક અનહદ ગરમી તો ક્યારેક દુષ્કાળ કે પછી ભારે વરસાદ એવો મોસમનો વિરોધાભાસી મિજાજ વધુને વધુ અકળ બની રહ્યો છે. મોસમની આ બદલાતી વિચિત્રતાના સંદર્ભમાં ભારતના હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા ભારે નોંધનીય છે. આ આંકડા મુજબ આ વખતનો જુલાઇ મહિનો દેશનો રાતના સમયનો સૌથી ગરમ મહિનો બની રહ્યો હતો.  સરેરાશ તાપમાનના આંકડા મુજબ આ વખતનો જુલાઇ મહિનો 1901 પછીનો સૌથી વધુ ગરમ જુલાઇ રહ્યો હતો. અમુક જગ્યાઓએ પૂરની સ્થિતિને બાદ કરતાં જુલાઇ મહિના દરમ્યાન દિલ્હી, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 20થી 59 ટકા જેટલી વરસાદની ખાધ રહી હતી. ઉત્તર પ્રદેશમાં અને ઉત્તરાખંડમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. જુલાઇ મહિના દરમ્યાન માત્ર મહારાષ્ટ્ર, ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદ થયો હતો. બિહાર અને ઝારખંડનાં ખેતરો સુકાવા લાગ્યાના ચિંતાજનક અહેવાલ આવી રહ્યા છે. આ બધા વચ્ચે ઓગસ્ટ મહિનો કેવો જશે એવો સવાલ સૌને સતાવી રહ્યો છે. હવામાન વિભાગનાં અનુમાન મુજબ ઓગસ્ટ મહિના દરમ્યાન દેશમાં 94 ટકાથી 106 ટકા વચ્ચે સામાન્ય વરસાદ થઇ શકે છે. ક્યાંક ઓછો તો ક્યાંક વધુ વરસાદ થાય એવી શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. એક તરફ હવામાન સંબંધિત સચોટ અનુમાન માટે આધુનિક વ્યવસ્થા ઉપલબ્ધ બની છે. ભારે વરસાદ હોય કે પછી વાવાઝોડું હોય, આગોતરી ચેતવણી મળતી થઇ છે, પણ આવી સ્થિતિ ઊભી જ ન થાય તે માટે પર્યાવારણનાં જતનની જરૂરત સમજવા છતાં તે અંગે સેવાતાં દુર્લક્ષનો ઉકેલ શોધવો ભારે જરૂરી છે, પણ કમનસીબે દરેક આપત્તિ કે પછી દુર્ઘટના સમયે સામે આવતી જંગલોનો ઘટતો વિસ્તાર અને નદીઓનાં વહેણમાં દબાણની હકીકતો જેમની તેમ બની રહે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang