• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

ભારતવિરોધી કાવતરું...

રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ જાહેર સભાઓમાં કહ્યું હતું કે મોદી ફરીથી સત્તા ઉપર આવશે તો `દેશ મેં આગ લગ જાયેગી'... હવે આ `વચન' પાળવા માટે એમણે `જાતિવાદ'ના મુદ્દે મોદી સરકારને પડકારવાની, ઘેરવાની શરૂઆત કરી છે. બજેટ ઉપરની ચર્ચામાં એમણે જાતિવાદના આધારે વસતિ ગણતરીની માગણી ઉઠાવી છે. વડાપ્રધાન મોદી સામે પડકાર ફેંક્યો છે, તો શું વી. પી. સિંહના ઇતિહાસનું પુનરાવર્તન થશે ? સામાજિક વિગ્રહથી દેશ તોડવાનો વિચાર છે ? કિસાનોને અનાજના ખરીદભાવની કાનૂની ગેરન્ટી આપવાની ફરીથી `ગેરન્ટી' આપી છે અને મધ્યમવર્ગ તથા યુવાવર્ગના `બેલી' બનવાની ખાતરી આપી છે. બજેટ માત્ર બે ટકા લોકો અને માત્ર બે રાજ્ય - આન્ધ્ર અને બિહાર માટે જ હોવાનો આક્ષેપ કર્યો છે. ચૂંટણી પ્રચારમાં એમણે પછાત જાતિઓને અન્યાય થતો હોવાનો મુદ્દો વારંવાર ઉછાળ્યો હતો. હવે એમણે જાતિવાદના આધારે વસતિ ગણતરીનો ઠરાવ વર્તમાન લોકસભામાં જ પસાર કરવાનો પડકાર કર્યો છે. એમની ગણતરી છે કે આવા ઠરાવનો વિરોધ નીતીશકુમાર નહીં કરી શકે અને મોદી સરકારને પાડી શકાશે. જો કે, વડાપ્રધાન મોદી `આગ લાગે તે પહેલાં કૂવો ખોદવા' માટે જાણીતા છે. રાહુલ ગાંધી જાતિવાદનાં આરક્ષણના મુદ્દે આક્રમક છે, ત્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસના સુપ્રીમો શરદ પવાર કહે છે કે મહારાષ્ટ્રમાં મણિપુર જેવી સ્થિતિ અર્થાત્ જાતિવાદી સંઘર્ષ સર્જાવાની શક્યતા છે. મરાઠા સમાજ ઓબીસીના પચાસ ટકા આરક્ષણમાં ભાગ પડાવવા માગે છે - તેનો આ સંદર્ભ છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માથાં ઉપર ગાજે છે, ત્યારે વર્ગવિગ્રહની વાત ઉશ્કેરણીજનક છે એવો આક્ષેપ ભાજપે કર્યો છે. બજેટની ચર્ચામાં રાહુલ ગાંધીને જવાબ આપતાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે નકારાત્મક પ્રચારથી રાહુલ ગાંધી વિશ્વને સંદેશો આપવા માગે છે કે ભારતમાં ભવિષ્ય નથી. આ રાહુલ ગાંધીનું કાવતરું હોવાનો આક્ષેપ પણ નાણાપ્રધાને કર્યો છે. લોકસભાના ચૂંટણી જંગમાં સંવિધાનનાં નામે સત્તા મેળવવામાં નિષ્ફળ ગયા પછી હવે વિપક્ષ અર્થાત્ રાહુલ ગાંધીએ બજેટની ચર્ચામાં ટીકા - પ્રહાર અને આક્ષેપો કરીને ભારત `અસલામત' હોવાનો સંદેશ વિશ્વને આપવાનો પ્રયાસ કર્યો છે. ભારતમાં મૂડીરોકાણ સલામત નથી, વિદેશી મૂડીરોકાણને કોઈ ગેરન્ટી આપી શકાય નહીં - એવા સંદેશ ઉપરાંત ભારતના ઉદ્યોગપતિઓને `િવલન' ગણાવવાના અને નાના - મધ્યમ ઉદ્યોગપતિઓ - ઉદ્યમીઓ - જે ભારતનાં અર્થતંત્રમાં કરોડરજ્જુ જેવા છે, એમનો જુસ્સો તોડવાના પ્રયાસ થાય છે. ભારતમાં અસ્થિરતા અને અરાજકતાનું વાતાવરણ અને નકારાત્મક પ્રચાર થાય તો અર્થતંત્ર ઉપર વિપરીત અસર પડે. વિપક્ષી નેતા અત્યારે ભારતની સામાજિક એકતા, સંસદીય પરંપરા, અર્થતંત્ર અને ભારતીય સશત્રદળો ઉપર `આક્રમણ' કરી રહ્યા છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ બજેટ ઉપરની ચર્ચામાં બોલતાં અગ્નિવીરનાં નામે વિરોધ કર્યો, કિસાનોને લઘુતમ ભાવની સત્તાવાર - સંસદીય ખાતરી, સંસદીય પરંપરાની પરવા કર્યા વિના લોકસભાના સભ્ય નથી એવા ઉદ્યોગપતિઓ અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોભાલનાં નામ આપીને ટીકા કરી અને ઓબીસીનાં નામે જાતિવાદી વસતિ ગણતરીનો પડકાર કરીને સામાજિક એકતા તોડવાનો પ્રયાસ કર્યો છે. લોકસભામાં બજેટ મંજૂર થયા પછી વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં મુખ્ય બે ઉદ્યોગપતિ અગ્રણીને રાહુલ ગાંધીએ નિશાના ઉપર લીધા હતા - તેનો જવાબ આપ્યો છે. `આજે વિશ્વની નજર ભારત અને આપ સૌ ભારતના ઉદ્યોગપતિઓ ઉપર છે. વિદેશી મૂડીરોકાણના ઊજળા સંજોગો છે. ભારતનાં અર્થતંત્ર માટે સકારાત્મક, વિશ્વાસનું વાતાવરણ છે. ભારતમાં 1,40,000થી વધુ `સ્ટાર્ટ અપ' લાખ્ખો યુવાનોને રોજગાર આપે છે. બજેટમાં કૌશલ્ય અને રોજગારી માટે બે ટ્રિલિયન રૂપિયાનું પૅકેજ છે - જેનો લાભ ચાર કરોડ યુવાનોને મળશે. બજેટમાં અર્થતંત્રને બદલે રાજકીય ભાષણ થાય તે સમજી શકાય છે - રાહુલ ગાંધી અને શરદ પવારનાં નિવેદનોમાં ધમકી અને ચેતવણી વિશેષ છે. જાતિવાદનાં ધોરણે વસતિ ગણતરી થાય તો પણ અહેવાલ આવતાં વાર લાગશે છતાં આ મુદ્દો ઉઠાવીને ચૂંટણીમાં લાભ વહેલો મળશે એવી ધારણા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં ભારતીય સંવિધાનનો મુદ્દો ચગાવ્યો હતો. હવે બજેટનું શત્ર છે. મધ્યમવર્ગ અને યુવાવર્ગ ઉપરાંત એમણે પછાત જાતિઓની `વકીલાત' કરવાનો દેખાવ કર્યો. વર્ષ 1980થી નાણાં ખાતામાં એક પરંપરા શરૂ થઈ છે - બજેટની દરખાસ્તોનું પ્રિન્ટિંગ શરૂ કરવાના શ્રીગણેશ થાય ત્યારે `હલવો' બનાવાય - સમજો કે કાર્યાલયમાં પાર્ટી થાય - આની  પાછળ કોઈ ધાર્મિક - આર્થિક કારણ નથી. રાહુલ ગાંધીએ લોકસભામાં બજેટ હલવા પાર્ટીનો ફોટો બતાવ્યો - કે જુઓ આમાં કોઈ પછાતવર્ગના નથી ! અને લઘુમતી કોમનો એકમાત્ર સભ્ય છે ! રાહુલ ગાંધી માનતા હશે કે એમણે પછાત જાતિઓને ખુશ કરી છે, પણ રાજકારણમાં આ બાળકબુદ્ધિ છે. આઝાદી પછી કોંગ્રેસ શાસન દરમિયાન પછાત જાતિઓનો ઉદ્ધાર કેમ થયો નહીં ? 1980 પછીની સરકારો કોંગ્રેસની મહેરબાની ઉપર હતી ત્યારે બજેટ - હલવા ઉપર પ્રતિબંધ કેમ મુકાયો નહીં ? `પછાત'નો પ્રશ્ન કેમ ઉઠાવાયો નહીં ? હવે આ મુદ્દો ઉઠાવીને એમણે બજેટની મુદ્દાસર ટીકા કરવાની તક ગુમાવી છે - પણ એમને માત્ર રાજકારણમાં રસ છે ! અત્યારે પછાત જાતિઓના `એકમાત્ર નેતા'ની ભૂમિકા છે! શરદ પવારે મહારાષ્ટ્રમાં મણિપુર જેવી સ્થિતિ સર્જાવાની ચેતવણી આપી છે. મરાઠા આરક્ષણની માગ ઘણી જૂની છે. ઓબીસી અન્ય પછાત વર્ગોના પચાસ ટકામાં હિસ્સો માગે છે. મનોજ જરાંગે - પાટિલ મરાઠા સમાજના આક્રમક નેતા છે - `મરાઠા ક્રાન્તિ થોક મોરચો' બનાવ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ, કોંગ્રેસ અને ઉદ્ધવ સેના એક બાજુ અને ભાજપ બીજી બાજુએ છે - બંને છાવણી માટે કસોટી છે. મરાઠા નેતાઓ ઉદ્ધવ ઠાકરેને મળવા ગયા ત્યારે એમણે વડાપ્રધાન મોદીનો હવાલો - આપ્યો કે તેઓ સમાધાન કરાવે અને સ્વીકાર્ય હોય તો અમે ટેકો આપવા તૈયાર છીએ. શરદ પવારે મહારાષ્ટ્રમાં મણિપુરની ચેતવણી કેમ આપી ? કોઈ સ્પષ્ટતા કરી નથી, પણ સૌએ સાથે મળીને એક સંઘરાષ્ટ્રનાં સર્જન માટે જાતિ, ધર્મથી ઉપર ઊઠવું જોઈએ - એવી સલાહ આપી છે ! ભૂતકાળમાં મરાઠા આંદોલન વખતે હિંસાચાર થયો છે તેથી મણિપુરની ચેતવણી આપી હશે, પણ ભાજપના નેતાઓનો આક્ષેપ છે કે પવાર મહારાષ્ટ્રમાં ઉશ્કેરણી ફેલાવી રહ્યા છે. શરદ પવારને ચિંતા હોય તો એમણે મરાઠા અને ઓબીસી બંને પક્ષને સમજાવીને સમાધાન કરવું જોઈએ. કેન્દ્ર અને વડાપ્રધાન ઉપર જવાબદારી ઢોળવાની જરૂર નથી. જાતિવાદના આધારે વસતિ ગણતરી કરવાની માગણી થાય છે, જેથી પછાત વર્ગોની આર્થિક સ્થિતિનો અંદાજ આવી શકે. સાથે, અર્થતંત્રનો વિકાસ, બેકારીની સમસ્યા સંલગ્ન છે. આર્થિક વિકાસ થાય, અર્થતંત્ર વિસ્તૃત થાય તો તમામ વર્ગોનો વિકાસ થઈ શકે. જાતિવાદના આધારે વસતિ ગણતરી થાય અને તેનો અહેવાલ આવે ત્યારે પછાત જાતિઓના લાભનો પ્રશ્ન હોય - પણ અત્યારે તો પછાત જાતિઓને આકર્ષવાનો લાભ રાજકીય નેતાઓ લેવા માગે છે. આનું કારણ છે 2014માં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય તખતા ઉપર આવ્યા ત્યારથી રાજકારણમાં `સ્થાપિત' થઈ ગયેલા નેતાઓ `પછાત' નેતાગીરી પચાવી શકયા નહીં. પાંચ વર્ષ પછી ઉત્તરપ્રદેશમાં ચૂંટણીમાં મોદીએ `પછાતમાં પણ વધુ પછાત' લોકોનો સંપર્ક કરીને સાધી લીધા ત્યારે વિપક્ષી નેતાઓને `વોટ બેન્ક' લૂંટાઈ ગયાનું ભાન થયું અને પછાત જાતિ આધારિત વસતિ ગણતરીની માગણી છે. ભૂતકાળમાં ભાજપના હિન્દુત્વ અને અડવાણીની રથયાત્રા સામે વી. પી. સિંહે પછાત વર્ગ માટે આરક્ષણનો મુદ્દો ઉઠાવ્યો અને સવર્ણ - પછાત વર્ગ વચ્ચે વિગ્રહ - સંઘર્ષ શરૂ થયો. ઇતિહાસનાં આ કાળાં પ્રકરણનું પુનરાવર્તન થાય નહીં તેની ચિંતા હોવી જોઈએ. કમંડલ સામે મંડલ નહીં - ભારતની ભાવાત્મક - સામાજિક એકતા રાજકીય સત્તા માટે તોડી શકાય નહીં. ઈન્દિરા ગાંધીએ સત્તા માટે સૂત્ર આપ્યું. `જાત - પાત નહીં. મોહર લગેગી હાથ પર' નરેન્દ્ર મોદીએ સૌથી વધુ પછાત વર્ગોને સાથે રાખ્યા. હવે રાહુલ ગાંધી સત્તા માટે સમાજને તોડશે ? આગ લાગે નહીં, લગાડાય નહીં તેની સાવધાની જરૂરી છે. - વસતિ ગણતરીમાં જાતિવાદ ! : ભારતમાં વસતિ ગણતરી વર્ષ 2027માં થનારી હોય તો તેની પૂર્વતૈયારીરૂપે નેશનલ પોપ્યુલર રજિસ્ટર તૈયાર થાય. આ માટે જે પ્રશ્નો છે, તેમાં માતૃભાષા, માતા અને પિતાનાં જન્મસ્થળનાં નામ તથા વર્તમાન રહેઠાણનું એડ્રેસ માગવામાં આવે તેવા પ્રશ્નો છે. વર્ષ 2010માં નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર તૈયાર થયું તેમાં આ પ્રશ્નો નહોતા. હવે કેટલાંક રાજ્યો આ નવા પ્રશ્નોનો વિરોધ કરી રહ્યાં છે, તેથી નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સમાં - પોપ્યુલેશન રજિસ્ટરની માહિતીનો આધાર નહીં લેવાય એવી સ્પષ્ટતા કેન્દ્ર સરકારે કરી છે. જાતિવાદનાં ધોરણે વસતિ ગણતરી કરવાની માગણી અંગે કેન્દ્ર સરકારે 23મી સપ્ટેમ્બર, 2021માં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટમાં જણાવ્યું છે કે એસસી, એસટી સિવાયની જાતિવાદી વસતિ ગણતરી વહીવટી દૃષ્ટિએ મુશ્કેલ, ગૂંચવણભરી અને અવ્યવહારુ છે. હવે આગામી વસતિ ગણતરીમાં જાતિવાદનો પ્રબંધ રાખવો કે નહીં તે કેન્દ્ર સરકારે નક્કી કરવાનું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang