સાચી વાત કહેવામાં જરાપણ ખચકાટ ન અનુભવતા કેન્દ્રના માર્ગ અને
પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જીવન અને આરોગ્યલક્ષી વીમા યોજનાઓમાંથી જીએસટી હટાવી લેવાની
માંગ કરીને પોતાની સ્પષ્ટ વક્તાની પ્રકૃતિનો વધુ એક વખત પરચો આપ્યો છે. હાલે આવી વીમા
પોલિસી પર 18 ટકાના દરે જીએસટીની વસૂલાત થતી હોવાની બાબત ધ્યાને આવતાં ગડકરીએ તેને
દૂર કરવાની માંગ સાથેનો પત્ર કેન્દ્રના નાણામંત્રીને પાઠવ્યો છે. પોતાના મતવિસ્તાર
નાગપુરના વીમા એજન્ટોએ સોંપેલા એક આવેદનપત્રના સંદર્ભમાં ગડકરીએ આ માંગ કરી છે. તેમનો
સ્પષ્ટ મત છે કે, આવી વીમા પોલિસી વડીલો અને અન્ય લોકો માટે ભારે ઉપયોગી છે. તેઓ આ
યોજનાનો વધુ લાભ લઇ શકે તે માટે તેને વધુ સુવિધાજનક બનાવવા પર ધ્યાન અપાવું જોઇએ. આ
સંદર્ભમાં દેશભરના વીમા એજન્ટેનાં સંગઠને પણ નાણામંત્રીને અનુરોધ કર્યો હતો કે, વીમા
પોલિસીઓ પરના જીએસટીના દરને ઘટાડીને પાંચ ટકા કરવામાં આવે જેથી તેના ચૂકવણાનું ભારણ
ઘટી શકે. આ માંગ અંગે જીએસટીની ગત બેઠકમાં કોઇ ચર્ચા થઇ ન હતી. હવે ગડકરી જેવા વરિષ્ઠ મંત્રીની માંગ જોતાં એમ જણાય
છે કે, આ મામલે કોઇ સકારાત્મક પહેલ સરકાર દ્વારા લેવાશે. વીમા એજન્ટોની દલીલ એવી રહી
છે કે, છેલ્લા પાંચ વર્ષમાં આરોગ્ય અને અન્ય વીમાની પોલિસીમાં પ્રીમિયમના દરો બે ગણા
વધ્યા છે. પ્રીમિયમના દરોમાં વધારાની સાથોસાથ જીએસટીના દરોના બોજાને લીધે આરોગ્ય વીમાના
રિન્યૂઅલમાં ભારે ઘટાડો નોંધાઇ રહ્યો છે. વળી સરકારની આરોગ્ય યોજનાઓના લાભનો વ્યાપ
વધવાને લીધે પણ આરોગ્ય વીમાધારકો ઓછા થઇ રહ્યા છે. આ કારણોસર આવી પોલિસીના રિન્યૂઅલમાં
65થી 70 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આમ તો સરકાર આરોગ્ય વીમાનાં ચલણને વધારવા સતત
પ્રયત્નશીલ રહી છે. થોડા મહિના અગાઉ આવી વીમા પોલિસી લઇ શકે તેવા ગ્રાહકોની વયમર્યાદા
વધારીને 70 વર્ષ કરી દેવાઇ હતી, પણ તેના દર ઊંચા રહેતાં વૃદ્ધો આવી પોલિસી લેતા ખચકાય
છે. જો જીએસટીના દરમાં રાહત મળે અને પોલિસી સસ્તી થાય તો જ તેનું ચલણ વધી શકે છે. આરોગ્ય
વીમામાં જીએસટી દૂર કરવાની નીતિન ગડકરીની માંગે આવી સમાજિક ઉપયોગની સેવા પરના વેરાના
ઔચિત્યની ચર્ચા ફરી છેડી છે. જીએસટીનો જ્યારથી અમલ શરૂ થયો છે ત્યારથી તેના દરોમાં
વિસંગતા અને અવ્યવહારુતાની ફરિયાદો સામે આવતી જાય છે. સરકાર પણ દરોને સરળ અને લોકભોગ્ય
બનાવવા સતત પ્રયત્નશીલ રહે છે, પણ વક્રતા એ છે કે, આટલા વર્ષ પછી પણ જીએસટીના દરોને
તર્કસંગત બનાવી શકાયા નથી. આરંભમાં જીએસટીનો વધુમાં વધુ દર 18 ટકા રાખવાનો સરકારે ઇરાદો
જાહેર કર્યો હતો, પણ આજે હાલત એ છે કે, મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર આ મહત્તમ 18
ટકાનો દર લાગેલો છે. ખરેખર આરોગ્ય વીમાની સાથોસાથ સામાન્ય નાગરિકો માટે જરૂરી તમામ
સેવાઓ અને સુવિધાઓ પરના જીએસટીને ઘટાડવા અથવા સાવ દૂર કરવા સરકારે વિચાર કરવાની ખાસ
જરૂરત છે.