સંસદનાં બજેટસત્રનો ચોથો દિવસ પણ શોરબકોર અને ધાંધલ-ધમાલનો ભોગ
બન્યો. લોકસભાની કામગીરી બે વેળા ખોરવાઈ. સત્તારૂઢ અને વિરોધ પક્ષોના સાંસદો વચ્ચે
શબ્દયુદ્ધ ફાટી નીકળ્યું. કોંગ્રેસના સાંસદ ચરણજિતસિંહ ચન્ની અને ભાજપના રવનીતસિંહ
બિટ્ટુ વચ્ચે થયેલી શાબ્દિક ટપાટપીથી સંસદની ગરિમાને હાનિ પહોંચી છે. કેન્દ્રીય બજેટની
ચર્ચામાં ભાગ લેતાં ચન્નીએ બિટ્ટુના દાદા અને પંજાબના ભૂતપૂર્વ સીએમ બિઅંત સિંઘની હત્યાનો
ઉલ્લેખ કર્યો હતો. ચન્નીએ કહ્યું હતું કે, બિટ્ટુજી તમારા દાદાજી શહીદ થયા હતા, પણ
તેઓ એ દિવસે મૃત્યુ પામ્યા નહોતા, તેમનું અવસાન તો એ દિવસે થયું, જ્યારે તમે કોંગ્રેસ
છોડી. આને કારણે તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા બિટ્ટુએ કહ્યું હતું
કે, મારા દાદાજીએ દેશ માટે કુરબાની આપી હતી, કોંગ્રેસ માટે નહીં. ચન્ની પંજાબની સૌથી
તવંગર વ્યક્તિ છે, ન હોય તો હું મારું નામ બદલી નાખવા તૈયાર છું. સંસદમાં આ ધાંધલ-ધમાલ
ફેલાઈ કેમ કે, ચન્નીએ ખાલિસ્તાનીની તરફેણમાં વક્તવ્ય કર્યું હતું. તેમણે કહ્યું હતું
કે, પંજાબના એક સાંસદ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કરી તેમને જેલમાં પૂરી રાખવામાં
આવ્યા છે. તેઓ ગૃહની કાર્યવાહીમાં ભાગ નથી લઈ શકતા અને આનાથી જનતાને નુકસાન થઈ રહ્યું
છે. તેઓએ કોઈનું નામ નહોતું લીધું, પણ તેમનો નિર્દેશ સીધી રીતે ખાલિસ્તાની અમૃતપાલસિંહ
તરફ હતો. આ નિવેદનને પગલે વિવાદ સર્જાયો હતો. તેમનાં આ નિવેદનના છ કલાક પછી કોંગ્રેસ
મોવડીમંડળને ભાન થયું હતું કે, ચન્નીએ શું બાફી નાખ્યું છે, આથી દર વખતે થાય છે તેમ,
પક્ષે આ નિવેદન ચન્નીનું વ્યક્તિગત હોવાનું કહી હાથ ઊંચા કરી નાખ્યા હતા. ચરણજિતસિંહ
ચન્નીએ દેશવિરોધી પ્રવૃત્તિઓના આરોપમાં રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ જેલમાં બંધ ખાલિસ્તાની
સમર્થક અમૃતપાલસિંહની તરફદારી કરી છે આ બાબત ગંભીર છે. કોંગ્રેસ નેતાઓને ખાલિસ્તાની
આતંકવાદના પગલે ઘણું સહન કરવાનું આવ્યું હતું, હવે તેમના જ એક સાંસદ સ્વાર્થને લઈ અમૃતપાલસિંહ
જેવા અલગતાવાદીનું ખુલ્લું સમર્થન કરે એ કમનસીબી કહેવાય. કોંગ્રેસ ભૂલી ગઈ છે કે, વડાપ્રધાન
ઇન્દિરા ગાંધીની હત્યા ખાલિસ્તાની આતંકવાદીઓએ કરી છે. પંજાબના મુખ્ય પ્રધાન પદ પર રહી
ચૂકેલા અને હવે સાંસદ ચૂંટાયેલા ચરણજિતસિંહ ચન્ની એ ભૂલી ગયા કે, રાજ્યના ભૂતપૂર્વ
મુખ્ય પ્રધાન બિઅંત સિંઘની હત્યા ખાલિસ્તાની આતંકવાદીઓએ કરી હતી. કોંગ્રેસના નેતાઓને
એની પૂરેપૂરી જાણ હોવી જોઈએ કે, ચન્નીએ અમૃતપાલસિંહને ટેકો આપી ફરી પંજાબમાં ખાલિસ્તાની
સમર્થકોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે.
ચન્નીએ બિટ્ટુના દાદાને લઈ કરેલું નિવેદન પણ શહીદોનાં અપમાન સમાન છે. ચન્ની જેવા નેતાઓ
જ્યાં સુધી કોંગ્રેસમાં હશે ત્યાં સુધી લાગે છે કે, ખાલિસ્તાનીઓની દેશમાં અને દેશબહાર
`ચળવળ' પર અંકુશ મેળવવાનું કેન્દ્ર માટે
મુશ્કેલ થવાનું છે.