સુખપર (તા. ભુજ), તા. 24 : યુવાનોને લગતી પ્રવૃત્તિઓ
માટે સ્થપાયેલા સ્વામી વિવેકાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લાં 13 વર્ષથી થતી કબડ્ડી સ્પર્ધાના
નિયમિત ક્રમ પ્રમાણે વધુ એક સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ગામની જીએમડીસી હાઈસ્કૂલનાં
મેદાનમાં કુલ 12 ટીમના 84 ખેલાડીના હાકોટા પડકારા સાથે
સ્પર્ધા રમાઇ હતી. સાથે મુખ્ય અતિથિ તરીકે ભારતીય સેનાના પ્રદીપકુમાર જોષી (સેવા નિવૃત્ત
જૂનિયર કમિશન્ડ અધિકારી)એ જણાવ્યું હતું કે, મેદાનમાં ઉતરવા સમયે જીતવાનું ઝનૂન રમતના
અંતે પરસ્પર પ્રેમ વધારનારું સાબિત થવું જોઈએ. ગામના મહિલા સરપંચ અમરબેન ગોરસિયા, તા.
પંચાયતના નવનિયુક્ત સદસ્ય લક્ષ્મીબેન ખેતાણી, અગ્રણી અરજણ પિંડોરિયા, મુખ્ય દાતા કાંતિ
કેરાઈ (મેડી) સાથે ધનસુખ કેરાઈ, રક્ષિત રાબડિયા અને સુખપર સ્ટાર ઇલેવન સહિતના દાતાઓ
મંચસ્થ રહ્યા હતા. પ્રથમ વિજેતા ટીમ કેસરીનંદન-એ,
દ્વિતીય કેસરીનંદન-બી અને તૃતીય નરનારાયણ ઈલેક્ટ્રિક ટીમના ખેલાડીઓને તલવાર તથા બરછીની
ભેટ અપાઈ હતી અને મંચસ્થ સૌનું સ્વામી વિવેકાનંદનાં ચિત્ર સાથેનાં સ્મૃતિચિહ્નથી સન્માન
કરવામાં આવ્યું હતું. નિર્ણાયક તરીકે સવિતા
રાબડિયા, મીના વરસાણી, દીપક વરસાણી, જયેશ વેકરિયા (સુખપર) અને અરાવિંદ વરસાણી તથા ધનજી
પાંચાણી (માનકૂવા)એ સેવા આપી હતી. મોબાઇલ અને
ટીવીના અવિચારી વપરાશથી દૂર રહેવા અને બિલકુલ ઓછી ખર્ચાળ કબડ્ડી અને ખો-ખો સહિતની અનેક
દેશી રમતોનું આકર્ષણ વધારવા આવાં આયોજનો કરવા આવશ્યક હોવાનું સ્પર્ધાના સંકલનકર્તા
ચમન હિરાણી અને મંડળના પ્રમુખ મહેશ ગોરસિયાએ જણાવ્યું હતું.