કોલકાતા, તા. 24 : કે.એલ. રાહુલના ઝડપી 60 રનના યોગદાનથી આઈપીએલ-2026ની અંતિમ લીગ મેચમાં દિલ્હી
કેપિટલ્સે પાંચ વિકેટે 203નો જુમલો
ખડક્યા બાદ કુલદીપ યાદવ અને લુંગી એનગિડીના નેતૃત્વમાં બોલિંગ આક્રમણથી કોલકાતા નાઈટ
રાઈડર્સને 18.4 ઓવરમાં 163 રન પર ઓલઆઉટ કરી 40 રને વિજય સાથે આઈપીએલ 2026માંથી વિદાય લીધી હતી. બંને
ટીમ અગાઉ જ પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકી છે. 204ના લક્ષ્યનો પીછો કરનારી કોલકાતા માટે અજિંક્ય રહાણેએ સૌથી વધુ
63 રન બનાવ્યા હતા, જ્યારે મનીષ
પાંડેએ 25 અને રોવમન પોવેલે 29 રનનું યોગદાન આપ્યું હતું.
જો કે, સતત પડતી વિકેટોને કારણે કોલકાતા મેચમાં કોઈ પણ તબક્કે વાપસી કરી શકી ન હતી.
મેચની 18મી ઓવરમાં ટીમની ત્રણ વિકેટ પડી હતી.
આ ઓવરમાં માત્ર 6 રન આવ્યા
હતા અને ટીમ 18 ઓવરમાં નવ વિકેટે 159ના જુમલે પહોંચી હતી. દિલ્હીની
બોલિંગ આક્રમક રહી હતી. લુંગી એનગિડી અને કુલદીપ યાદવને 3-3 વિકેટ મળી હતી. મિશેલ સ્ટાર્કને
બે, જ્યારે અક્ષર પટેલને 1 વિકેટ મળી
હતી. આ પહેલાં અનુભવી ઓપનિંગ બેટર કે.એલ. રાહુલની 30 દડામાં પ ચોક્કા અને 4 છક્કાથી 60 રનની ઝડપી
ઈનિંગથી કેકેઆર સામેના આઇપીએલ સિઝન-2026ની આખરી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સના પ વિકેટે 203 રન થયા હતા. બન્ને ટીમ પ્લેઓફ
રાઉન્ડની બહાર થઇ ચૂકી છે. ઔપચારિક મેચમાં કેકેઆરને વિજય માટે 204 રનનો પડકારરૂપ લક્ષ્યાંક
મળ્યો હતો. દિલ્હી તરફથી અભિષેક પોરેલે 22, સાહિલ પારેખે 24, કપ્તાન અક્ષર પટેલે 39, ડેવિડ મિલર 28 રન બનાવી આઉટ થયા હતા.
અભિષેક શર્મા ઝડપી 18 રન કરી
નોટઆઉટ રહ્યો હતો. કેકેઆર તરફથી સૌરભ દુબેએ 2 વિકેટ લીધી હતી. અનુકુલ રોય, સુનિલ નારાયણ અને વરૂણ ચક્રવર્તીને
1-1 વિકેટ મળી હતી.