• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ભારત વટભેર અન્ડર-19 વિશ્વકપની ફાઇનલમાં

હરારે, તા. 4 : એરોન જોર્જની શાનદાર સદી અને વન્ડરબોય વૈભવ સૂયવંશીની આતશી અર્ધસદીની મદદથી અન્ડર-19 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ સાત વિકેટે આક્રમક વિજય હાંસલ કરીને ભારતીય યુવા ટીમ ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમે અન્ડર-19 વિશ્વ કપની ફાઇનલમાં સતત છઠ્ઠીવાર પ્રવેશ કર્યો છે. ભારતે સ્પર્ધાના ઇતિહાસનો સૌથી મોટો જુમલો સર કર્યો હતો. એટલું જ નહીં, ભારતે યુવા વન-ડેમાં પણ સૌથી મોટું લક્ષ્ય ચેઝ કર્યું હતું. ફાઇનલમાં ભારતની ટક્કર શુક્રવારે ઇંગ્લેન્ડ સામે થશે. આજની બીજી સેમિ ફાઇનલમાં 311 રનનો વિજય લક્ષ્યાંક ભારતે પ3 દડા બાકી રાખીને 41.1 ઓવરમાં જ ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતના વિજયથી અફઘાનના બે બેટર ફેઝલ શિનોજાદા અને ઉજેરૂલ્લાહ નિયાજાઇની સદી એળે ગઇ હતી. આજની મેચમાં કુલ 620 રન બન્યા હતા, જે ભારત-અફઘાનની ટીમ વચ્ચેની યૂથ વન-ડેમાં સૌથી વધુ છે. આ પહેલાંનો વિક્રમ 521 રનનો હતો, જે 27 ડિસેમ્બર 2021ના બન્યો હતો. વૈભવ સૂર્યવંશીએ ફકત 33 દડામાં નવ ચોગ્ગા, ચાર છગ્ગાથી આતશી 68 રનની ઇનિંગ રમી ભારતને જોરદાર શરૂઆત અપાવી હતી. જ્યારે એરોન જોર્જે પણ શાનદાર બેટિંગ કરીને 104 દડામાં 1પ ચોગ્ગા-બે છગ્ગાથી 11પ રન કર્યા હતા. કપ્તાન આયુષ મ્હાત્રેએ 63 અને વિહાન મલ્હોત્રાએ અણનમ 38 રન કર્યા હતા. ભારતીય ટીમે પહેલી વિકેટમાં 90, બીજી વિકેટમાં 114 અને ત્રીજી વિકેટમાં 96 રનની ભાગીદારી કરીને ત્રણ વિકેટે 311 રન કરી આસાનીથી વિજય લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. અફઘાન તરફથી એન. ઓમરાજાઇને બે વિકેટ મળી હતી. અગાઉ ફૈઝલ શિનોજાદા અને ઉજૈરુલ્લાહ નિયાજાઈની શાનદાર સદીની મદદથી ભારતીય બોલર્સને હંફાવીને અફઘાનિસ્તાને પ0 ઓવરમાં ચાર વિકેટે 310 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ફૈઝલે 93 દડામાં 1પ ચોગ્ગાથી 110 રનની આકર્ષક ઇનિંગ રમી હતી જ્યારે નિયાજાઇએ ઇનિંગની અંતિમ ઓવરમાં લડાયક સદી પૂરી કરી હતી. તે 86 દડામાં 12 ચોગ્ગા - બે છગ્ગાથી 101 રને અણનમ રહ્યો હતો. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 130 દડામાં 148 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. અફઘાનિસ્તાન તરફથી આ સિવાય ઓપનર ઉસ્માન સાદને 39 અને ખાલિદ અહમદ જાઈએ 31 રન કરી પહેલી વિકેટમાં પ3 રનની ભાગીદારી કરી હતી. ભારતીય યુવા ટીમ તરફથી દીપેશ દેવેન્દ્ર અને કનિષ્ક ચૌહાણને બે-બે વિકેટ મળી હતી. 

Panchang

dd