નવી દિલ્હી,
તા. 1: દ.
આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણીની શરમજનક હાર પછી ટીમ ઈન્ડિયાએ વન ડે શ્રેણીનો શાનદાર પ્રારંભ
કર્યો છે. રાંચીમાં રમાયેલી પહેલી વન ડેમાં ભારતનો 17 રને
વિજય થયો હતો અને 3 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઇ મેળવી હતી. આ મેચમાં ભારતની જીતના સૂત્રધાર
રોકો (રોહિત-કોહલી) રહ્યા હતા. બન્નેએ જબરદસ્ત બેટિંગ કરી હતી. રોહિતે અર્ધસદી કરી
હતી તો વિરાટે આક્રમક સદી ફટકારી વિક્રમોની હારમાળા રચી હતી. રોકોએ ફરી એકવાર સાબિત
કરી દીધું કે તેમની તોલે કોઇ આવી શકે નહીં. જો કે રાંચીમાં ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ
રૂમના કેટલાક વીડિયો અને હેવાલ સામે આવ્યા છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે હેડ કોચ
ગૌતમ ગંભીર સાથે રોહિત અને વિરાટ વચ્ચે બધું ઠીક ચાલી રહ્યું નથી. આ મામલાની ગંભીરતા
સમજીએ બીસીસીઆઇએ એક બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. જેનું આયોજન બીજી વન ડે દરમિયાન
રાયુપરમાં અથવા ત્રીજી વન ડે પછી થશે. રિપોર્ટ અનુસાર રોહિત અને વિરાટ ડ્રેસિંગ રૂમમાં
કોચ ગંભીરને ભાવ આપી રહ્યા નથી. આખા દિવસમાં એકાદ વખત જ કદાચ સંવાદ કરે છે. એક વીડિયોમાં
જોવા મળે છે કે કોહલી કોચ ગંભીરને નજરઅંદાજ કરી આગળ વધી જાય છે. તો બીજા વીડિયોમાં
ગંભીર અને રોહિત વચ્ચે કોઇ મુદ્દે મતભેદ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયાનો
ટેસ્ટ અને ટી-20 વખતે ડ્રેસિંગ રૂમમાં માહોલ ઠીક
હોય છે, પણ વન ડેમાં બે દિગ્ગજ રોહિત-વિરાટની ઉપસ્થિતિની લીધે તમામ
સમીકરણ બદલાય જાય છે. અંદર પાવર ટસલ જોવા મળે છે. એવો પણ દાવો કરાયો છે કે ઓસ્ટ્રેલિયા
પ્રવાસ વખતે પણ વન ડે શ્રેણી દરમિયાન ડ્રેસિંગ રૂમનો માહોલ ગરમ હતો. રોકો કોચ ગંભીર
સાથે વાતચીત કરતા ન હતા. ચીફ સિલેકટર અજીત અગરકર સાથે પણ બન્ને સંબંધ સારા રહ્યા નથી.
નોંધનીય છે કે, કોહલી અને ગંભીર વચ્ચેનો ટકરાવ જૂનો છે. બન્ને
એક સાથે દિલ્હી અને ભારત તરફથી રમી ચૂક્યા છે. આઇપીએલ દરમિયાન બન્ને વચ્ચે જોરદાર મતભેદ
જોવા મળી ચૂક્યા છે. આઇપીએલ-2023 સીઝનમાં
મેદાન પર જ બન્ને વચ્ચે ગાળાગાળી થઇ હતી.