ગાંધીધામ, 13 : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ
એસોસિયેશન (જીએસટીટીએ)ના ઉપક્રમે ગુજરાત
સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025નો
મંગળવારથી આદિપુર, ગાંધીધામના સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ
સંગતાણી સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે પ્રારંભ થશે. 14મીથી 18મી
ઓક્ટોબર દરમિયાન યોજાનારી આ ટૂર્નામેન્ટમાં વર્તમાન ટીટી કેલેન્ડરના મહત્તમ
રેન્કિંગ પોઇન્ટ અહીંથી મળવાના છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના સહકારથી યોજાયેલી
આ ટૂર્નામેન્ટના કો-સ્પોન્સર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે, જ્યારે કચ્છ ડિસ્ટ્રીક્ટ
ટેબલ ટેનિસ એસોસિયેશન વેન્યૂ પાર્ટનર રહેશે. સ્ટિગા આ ટૂર્નામેન્ટમાં ઇક્વિપમેન્ટ
સ્પોન્સર તરીકે જારી રહેશે. પાંચ દિવસીય ટૂર્નામેન્ટમાં 550 એન્ટ્રી
મળી છે અને તેના માટે સ્ટિગાના નવ ટેબલનો ઉપયોગ કરાશે. ટૂર્નામેન્ટમાં રાજ્યના
ટોચના ખેલાડી ધૈર્ય પરમાર, ચિત્રાક્ષ ભટ્ટ, ફ્રેનાઝ છીપિયા, ઓઇશિકી જોઆરદાર, ફિલઝાહ ફાતીમા કાદરી, અભિલાષ રાવલ, નામના જયસ્વાલ અને જયનીલ મહેતા ભાગ
લેનારા છે, જેના માટે 4,75,000 રૂપિયાની ઇનામી રકમ વહેંચાશે.
ભારતની આ એવી પ્રથમ ટૂર્નામેન્ટ છે જેમાં ટીમ ઇવેન્ટમાં પણ ઇનામી રકમ અપાશે.
જુનિયર્સમાં વિવાન દવે, આયુષ તન્ના, રિયા જયસ્વાલ, પ્રથા
પવાર, જન્મેજય પટેલ, ધ્યેય જાની,
દાનિયા ગોદીલ, દેવ ભટ્ટ, હિમાંશ દહિયા, જિયા ત્રિવેદી અને મૌબોની ચેટરજી જેવા
યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓ પણ રમશે. વ્યક્તિગત ઇવેન્ટ ઉપરાંત વિવિધ ખેલાડીઓને
પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની પણ તક મળી રહેશે. રાજ્યના 13 જિલ્લાની
છ ટીમ ઇવેન્ટમાં ભાગ લેશે જેમાં મેન્સ અને વિમેન્સ, બોયઝ અને ગર્લ્સ અંડર-19 તેમજ
બોયઝ અને ગર્લ્સ અંડર-15ની ટીમોનો સમાવેશ થાય છે.
જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચૌધરીએ જણાવ્યું હતું કે `આ
ચેમ્પિયનશિપ રાજ્યમાં આ રમતના વિકાસ અને મજબૂતીનું પ્રતાબિંબ છે કેમ કે આ વખતે
ભારતીય ટેબલ ટેનિસના ઇતિહાસમાં પહેલીવાર ટીમ ચેમ્પિયનશિપ માટે પણ ઇનામી રકમ
આપવામાં આવનારી છે. રાજ્યમાં ટેબલ ટેનિસની રમતના વિકાસમાં આ એક મોટી હરણફાળ છે.' જીએસટીટીએના સેક્રેટરી હરિ
પિલ્લાઈએ જણાવ્યું હતું કે `આ મહત્ત્વની ટૂર્નામેન્ટ માટે
તમામ માળખાગત સવલતો તથા સ્ટેડિયમની સવલત પૂરી પાડવા માટે અમે કેડીટીટીએના આભારી
છીએ.'