અમદાવાદ, તા. 9 (અમારા
પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ-ગુજરાતને કોમનવેલ્થ રમતોત્સવ-2030નું યજમાન પદ મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની
એક ટીમે લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સના અધિકારીઓની મુલાકાત લીધી હતી. રાજ્યના રમતગમત
મંત્રી હર્ષ સંઘવી સહિતની ભારતીય ટીમ દ્વારા અત્યાર સુધીની તૈયારીઓની માહિતી અપાઇ હતી.
લંડન ખાતે કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત
મંત્રાલયના પ્રતિનિધિઓ પણ સામેલ હતા. આ યજમાન પદ માટેનો પ્રસ્તાવ 31 ઓગસ્ટ-2025 સુધીમાં
સોંપવાનો છે. તે પછી યજમાન શહેરની પસંદગી નવેમ્બર-2025માં
કોમનવેલ્થ દ્વારા કરવામાં આવશે. લંડનમાં બે દિવસની ચર્ચા બાદ પ્રતિભાવ આપતા કોમનવેલ્થ
રમતગમતની ટીમે જણાવ્યું કે તેઓ રસ ધરાવતા શહેરો સાથે સહયોગ કરી પ્રસ્તાવ તૈયાર કરવામાં
મદદ કરશે. મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે અમારા નિર્ણયમાં ખેલાડીઓની સુવિધા, જરૂરિયાતો અને પ્રદર્શનને પ્રાથમિકતા અપાશે. તે સાથે આયોજનની ડિઝાઇન એવી હશે
જે યજમાન પદ માટે આદર્શ બની રહે. કોમનવેલ્થ
ગેમ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ પી. ટી. ઉષાએ જણાવ્યું હતું કે ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સાથે મળીને રમતોનું આયોજન
કરવા તૈયાર છે. ભારતે વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓને અનુસરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
બેઠકમાં શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની ઉપસ્થિત રહ્યા હતા.