• સોમવાર, 16 જૂન, 2025

અનીસના તરખાટથી સુરેન્દ્રનગર સામે કે.સી.એ. (ભુજ)ની બોનસ પોઈન્ટ સાથે જીત

ભુજ, તા. 21 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયેશન આયોજિત આંતર જિલ્લા અંડર - 16 ક્રિકેટ ટૂર્નામેન્ટની ગાંધીધામ ખાતે રમાયેલી કે.સી.એ. ભુજ અને સુરેન્દ્રનગર રૂરલ ટીમ વચ્ચેની બે દિવસીય ટેસ્ટ મેચમાં કે.સી.એ. ભુજની જીત થઈ હતી. ગાંધીધામના ડીપીએસ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી મેચમાં સુરેન્દ્રનગર રૂરલ કચ્છની બળૂકી બોલિંગ સામે 32.4 ઓવરમાં માત્ર 86 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં ઓમ ત્રિવેદીના 22 રન મુખ્ય હતા. ભુજ વતી અનીસ કેરાઈએ ઘાતક બોલિંગ કરતાં 15.4 ઓવરમાં 11 મેઈડન ઓવર સાથે 7 વિકેટ લીધી હતી. શ્રેય બાપટ અને રિષિત ઠક્કરને 1-1 વિકેટ મળી હતી. જવાબમાં ભુજે પ્રથમ ઈનિંગ્સ 61.2 ઓવરમાં 132રન કર્યા હતા, જેમાં ઠક્કર શ્લોકે 32 રન, જેનિલ દરજીએ 23 રન અને બરાડિયા નયને 22 રનનું યોગદાન આપ્યું હતું. સુરેન્દ્રનગર વતી હર્ષ મેમાકીય અને અર્પિત અલએ 5-5 વિકેટ લીધી હતી. આમ ભુજને 46 રનની સરસાઈ મળી હતી. બીજી ઈનિંગ્સમાં સુરેન્દ્રનગરનો ફરી ધબડકો થયો હતો અને 17.5 ઓવરમાં માત્ર 53 રનમાં ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. ભુજ વતી પ્રથમ ઈનિંગ્સના હીરો અનીસ કેરાઈએ બીજી ઈનિંગ્સમાં પણ ઘાતક બોલિંગ ચાલુ રાખતાં 7 વિકેટ લીધી હતી. જેને શ્રેય બાપટ 3 વિકેટનો સાથ મળ્યો હતો. ભુજ ટીમને માત્ર 8 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે તેણે વિના વિકેટે કરી લેતા કે.સી.એ. ટીમને બોનસ પોઈન્ટ સહિત 7 અંક મળ્યા હતા. કે.સી.એ.ના પ્રમુખ બહાદૂરસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભરત ધોળકિયા, મંત્રી અતુલ મહેતા અને સહમંત્રી પ્રવીણ હીરાણી તેમજ અશોક મહેતા, મહિપતસિંહ રાઠોડ, નવલસિંહ જાડેજા, ગિરીશ ઝવેરી, મહેશ પંડયાએ અભિનંદન પાઠવ્યા હતા. કોચ તરીકે ભવ્ય ઠક્કર અને ટીમ મેનેજર તરીકે અમિત રાઠોડ જોડાયેલા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd