અમદાવાદ, તા. 18 : દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત
ટાઇટન્સ વચ્ચે શનિવારે ટક્કર થશે. બન્ને ટીમ
શાનદાર ફોર્મમાં રહી છે અને આ મુકાબલો પોઇન્ટ ટેબલ પર ટોચનું સ્થાન અકબંધ કરવાનો હશે.
કેપિટલ્સ છ મેચમાં પાંચ જીત સાથે 10 અંક સાથે હાલ પોઇન્ટ ટેબલ પર ટોચનાં સ્થાને છે, જ્યારે ટાઇટન્સ છ મેચ પછી આઠ અંક સાથે બીજા
ક્રમે છે. રાજસ્થાન રોયલ્સ સામેની સુપર ઓવરની જીતથી દિલ્હી કેપિટલ્સ ટીમનું મનબોળ વધુ
ઊંચુ આવ્યું છે. દિલ્હીને દબાણમાં મળેલી આ જીતનો શિલ્પકાર મિચેલ સ્ટાર્ક હતો,
તે હવે ગુજરાત ટાઇટન્સ સામે વધુ યોર્કરનો મારો કરી શકે છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ ચેમ્પિયન્સ ટ્રોફીમાં
વિશ્રામ લેનાર મિચેલ સ્ટાર્ક તરોતાજા બની આઇપીએલમાં ઘાતક દેખાવ કરી રહ્યો છે. તે 10 વિકેટ લઇ ચૂક્યો છે. હવે સ્ટાર્કની
આગેવાનીમાં દિલ્હીની બોલિંગ લાઇનઅપે ટાઈટન્સના કપ્તાન શુભમન ગિલ, સાઇ સુદર્શન, જોસ બટલરની
રન રફતાર પર અંકુશ મૂકવો પડશે. ટાઇટન્સની મુખ્ય બેટિંગ તાકાત આ ત્રણ બેટધર છે. કારણ
કે તેનો મિડલઓર્ડર હજુ સુધી ઝળક્યો નથી. ગુજરાત
તરફથી ઝડપી બોલર સિરાજ શાનદાર દેખાવ કરી રહ્યો છે. તે પણ 10 વિકેટ લઇ ચૂક્યો છે. ખાસ કરીને
પાવર પ્લેમાં તેનો દેખાવ શાનદાર રહ્યો છે. દિલ્હીની ઇલેવનમાં ઝેક ફ્રેઝરનાં સ્થાને
અનુભવી ફાક ડૂ પ્લેસિની વાપસી થઇ શકે છે. તે હવે ફિટ છે. દિલ્હીની ચિંતા ચાઇનામેન બોલર
કુલદીપ યાદવની ઇજા છે. તેને પાછલી મેચમાં ખભામાં ઈજા થઇ હતી. આથી તેનું ટાઇટન્સ સામે
રમવું નિશ્ચિત નથી.