• ગુરુવાર, 01 મે, 2025

આઈપીએલની તમામ સિઝન રમી ચૂકેલા ખેલાડીઓ

નવી દિલ્હી, તા. 15 : આઈપીએલની વધુ એક સિઝન શરૂ થવા જઈ રહી છે. જેમાં ઘણા ક્રિકેટર એવા પણ છે જે દરેક સિઝન રમી ચૂક્યા છે. જો કે આવા ખેલાડીઓમાંથી ત્રણ હવે ક્રિકેટને અલવીદા કહી ચૂક્યા છે. તેવામાં જોવાનું રહ્યું કે હવે આ વખતે કેટલા આવા ખેલાડીઓ ફરીથી મેદાનમાં જોવા મળશે.  મનીષ પાંડે : મનીષ પાંડે અંડર-19ના દોરથી વિરાટ કોહલીનો સાથી રહ્યો છે. બન્નેએ સાથે રમીને કપ જીત્યો હતો. આઈપીએલની પહેલી સિઝનમાં મનીષ મુંબઈનો હિસ્સો હતો. 2009મા આરસીબીનો હિસ્સો બન્યો હતો અને આઈપીએલમાં સદી કરનારો પહેલો ભારતીય બન્યો હતો. વર્તમાન સમયે મનીષ કેકેઆરમાં છે. દિનેશ કાર્તિક : દિનેશ કાર્તિક પણ 2008થી આઈપીએલ રમે છે અને અલગ અલગ ફ્રેન્ચાઈઝીનો હિસ્સો રહી ચૂક્યો છે. તે કેકેઆરની કેપ્ટનશીપ પણ કરી ચુક્યો છે. ગત સિઝનમાં કાર્તિક રોયલ ચેલેન્જર્સ બેંગલોર સાથે હતો. જો કે હવે તેણે આઈપીએલઅને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. શિખર ધવન : શિખર ધવને 2008મા દિલ્હી સાથે રહીને આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ મુંબઈ અને ડેક્કન ચાર્જર સાથે જોડાયો હતો. બાદમાં એસઆરએચમાં પણ ગયો હતો. ગત સિઝનમાં શિખરે પંજાબની કેપ્ટનશીપ કરી હતી. જો કે મોટાભાગનો સમય ઈજાગ્રસ્ત જ રહ્યો હતો. ચાલુ વર્ષે શિખરે સંન્યાસનું એલાન કરી દીધું છે. ઋદ્ધિમાન સાહા : સાહાએ આઈપીએલમાં પોતાની કારકિર્દીની શરૂઆત કેકેઆર સાથે કરી હતી. બાદમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ સાથે પણ રહ્યો છે. સાહા એસઆરએચ અને ગુજરાત તરફથી પણ રમી ચૂક્યો છે. ચાલુ વર્ષે સાહા પણ ક્રિકેટથી દૂર છે. રોહિત શર્મા : રોહિત શર્મા આઈપીએલમાં સૌથી વધારે કમાનારો ખેલાડી છે. તે તમામ સિઝનમાં રમી ચૂક્યો છે. રોહિતે પોતાની કેપ્ટનશિપમાં મુંબઈને પાંચ ટ્રોફી જીતાડી છે. આ ઉપરાંત એક ટ્રોફી ડેક્કન ચાર્જર્સ સાથે જીતી ચૂક્યો છે. ગત સિઝનમાં રોહિતને મુંબઈની કેપ્ટનશિપમાંથી હટાવવામાં આવ્યો હતો. વિરાટ કોહલી : વિરાટ કોહલી આઈપીએલ ઈતિહાસમાં એકમાત્ર ખેલાડી છે જે સતત એક જ ફ્રેન્ચાઈઝી સાથે રમી રહ્યો છે. તે 2008થી આઈપીએલનો હિસ્સો છે. જો કે એક પણ આઈપીએલ ખિતાબ જીતી શક્યો નથી. આ વખતે કોહલી ઈતિહાસ બદલવા ઈચ્છશે. એમએસ ધોની : ચેન્નાઈ સુપર કિંગ્સ અને મહેન્દ્રસિંહ ધોની એકબીજાના પુરક છે. ગત સિઝનમાં ધોની જે ગ્રાઉન્ડે ગયો ત્યાં સમર્થકો ઉમટયા હતા. ધોની 2016 અને 2017માં પુણે સુપર જાયન્ટસનો હિસ્સો રહ્યો હતો. પણ તે સમયે ચેન્નાઈ ઉપર પ્રતિબંધ લાગેલો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd