• ગુરુવાર, 01 મે, 2025

મુંબઈએ જીત્યો બીજો ડબલ્યુપીએલ ખિતાબ

આશિષ ભીન્ડે તરફથી : મુંબઈ, તા. 15 : નેટ સિવર બ્રન્ટના ઓલરાઉન્ડ દેખાવના દમ પર સવાર મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને અંતિમ ઓવર સુધીની રોમાંચભરી ફાઈનલમાં 8 રને હરાવી બીજી વખત મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)નો ખિતાબ પોતાનાં નામે કર્યો હતો. હરમનપ્રીત કૌરના નેતૃત્વવાળી ટીમે બીજી વખત ફાઈનલમાં સફળતા મેળવી હતી. મુંબઈ ઈન્ડિયન્સે સાત વિકેટે 149 રન બનાવ્યા બાદ ધારદાર બોલિંગથી દિલ્હી કેપિટલ્સને 20 ઓવરમાં નવ વિકેટે 141 રન પર અટકાવી તેનું વિજેતા બનવાનું સપનું ફરી એકવખત રોળ્યું હતું. ફાઈનલ જીતવાના ઈરાદે લક્ષ્ય પામવા ઊતરેલી દિલ્હીને પહેલો ઝટકો મેગ્લેનિંગના રૂપમાં લાગ્યો હતો. નેટ સિવર બ્રન્ટે તેને બોલ્ડ કરી હતી. તે માત્ર 13 રન જ બનાવી શકી હતી. આ પછી કુલ 17 રને શબનમ ઈસ્માઈલે શેફાલી વર્મા (4)ને એલબીડબલ્યુ આઉટ કર હતી. આ પછી 37ના જુમલે જોસ જોનાસન (13) પણ આઉટ થતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી અને 44 રને એનાબેલ સદરલેન્ડ (2) પણ પેવેલિયન જતાં દિલ્હી સંકટમાં આવી ગઈ હતી. જો કે, તે પછી જેમીમા રોડ્રિગ્સ (30) અને મેરીઝાન કેપ (40) બોલરોનો સામનો કરતાં ટીમ રમતમાં પરત આવતી જણાઈ હતી, પરંતુ આ બંનેની વિદાય બાદ અન્ય બેટધરો ફસડાઈ પડતાં ટીમ 20મી ઓવરમાં 9 વિકેટે 141ના સ્કોરે થંભી હતી. અંતિમ ઓવરમાં નીકિ પ્રસાદે અણનમ 25 રન બનાવ્યા હતા. બોલિંગ મોરચે નેટ સિવર બ્રન્ટે 30 રનમાં ત્રણ વિકેટ ખેરવી હતી, જ્યારે એમિલિયા કેરે પચ્ચીસ રનમાં બે, શબનમ ઈસ્માઈલે 15 રનમાં એક, મેથ્યુસે 37માં એક અને સાઈકાએ 33 રનમાં એક વિકેટ ઝડપી હતી. આ પહેલાં એક ટિકિટમાં અને એક ઈનિંગ્સમાં ક્રિકેટની ત્રણેય ફોર્મેટની મજા ડબ્લ્યુપીએલની ફાઈનલમાં બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ક્રિકેટરસિયાઓને માણવા મળી હતી. શરૂઆતમાં ટેસ્ટ મેચ જેવી બાલિંગ કરી દિલ્હી કેપિટલ્સની બોલરોએ સુકાનીનો વિરોધી ટીમને બાટિંગનું આમંત્રણ આપવાનું પગલું સાર્થક ઠેરવતાં પહેલી પાંચ ઓવરમાં પંદર રન આપી બંને ઓપનર્સને પેવેલિયનમાં પહોંચાડી દીધા. એ પછી આવ્યો વન-ડેની મિડલ ઓવરમાં વિકેટ સાચવી સ્કોર બોર્ડનું પાટિયું ફરતું રાખવાનો તબક્કો, જેમાં છઠ્ઠીથી નવમી ઓવરમાં નેટ સિવર બ્રન્ટ અને કેપ્ટન હરમનપ્રીત કૌરે પચ્ચીસ રન ઉમેર્યા. એ પછી ટી-20 ગતિથી બાટિંગ કરતાં મુંબઈ પાંચ રન પ્રતિ ઓવરની સરેરાશને વધારતાં વધારતાં ઓવર દીઠ સાત રન સુધી લઈ ગયું. ડબ્લ્યુપીએલની ફાઈનલનો અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર કરતાં મુંબઈએ દિલ્હી સામે 150 રનનો ટાર્ગેટ મૂક્યો હતો. મુંબઈ વતી હરમને કેપ્ટન્સ ઈનિંગ્સ રમતાં 44 બોલમાં 66 રન કર્યા હતા. ઘરઆંગણે મુંબઈની શરૂઆત નબળી રહી. દિલ્હીએ પોતાની શ્રેષ્ઠ બોલર મેરીઝાન કેપની ચાર ઓવર શરૂઆતમાં જ પૂરી કરી નાખી અને સાતમી ઓવરના અંતે મુંબઈનો સ્કોર હતો બે વિકેટના ભોગે બાવીસ રન અને પોતાના ક્વોટાની ચાર ઓવરમાં કાપે માત્ર 11 રન આપ્યા હતા. મુંબઈની ડામાડોળ નાવને સુકાની હરમન અને સિઝનની સર્વોચ્ચ રનકર્તા નેટ સિવર બ્રન્ટે સ્થિર કરી. તેમની વચ્ચે દસ ઓવરમાં 89 રનની થયેલી ભાગીદારીએ મુંબઈને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવાનો પાયો રચ્યો હતો. હરમને દિલ્હીના બોલરોની ખબર લઈ નાખતાં નવ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા, ખાસ કરીને દિલ્હીની એનાબેલ સદરલેન્ડ અને જેસ જોનાસેન જેવા બોલરને પણ છોડ્યા નહોતા. હરમને 34 બોલમાં અડધી સદી કરી હતી. નેટે વર્તમાન સિઝનમાં પાંચસો રન પૂરા કર્યા હતા. જો કે, એ પહેલાં તે ડબલ્યુપીએલમાં 1000 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટર બની હતી. પૂંછડિયાઓએ સારું યોગદાન આપતાં મુંબઈ વીસ ઓવરના અંતે સાત વિકેટ ગુમાવી 149 રન કરી શક્યું હતું. કેપ, શ્રી ચરની, જોનાસેને બે-બે વિકેટો લીધી હતી. આ પહેલાની બે ડબલ્યુપીએલ ફાઈનલમાં ટોસ જીતી દિલ્હી કેપિટલ્સે પ્રથમ બાટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને પ્રસંગે દિલ્હી 131 રનથી આગળ વધી શક્યું નહોતું અને 2023માં 20 ઓવરમાં નવ વિકેટે 131 અને 2024માં 18.3 ઓવરમાં 113ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું હતું. આમ, મુંબઈએ કરેલા 149 રનને પગલે ફાઈનલનો સર્વોચ્ચ સ્કોર નોંધાયો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd