નવી દિલ્હી, તા.13 : મહેન્દ્રસિંહ
ધોની માટે જાણે ઉંમર ફક્ત એક આંકડો છે. 43 વર્ષની વયે પણ તે આઈપીએલની 18મી સીઝનમાં ધમાકેદાર દેખાવ કરવા તૈયાર છે. ધોની ચેન્નાઇ સુપર
કિંગ્સના કેમ્પ સાથે જોડાઇ ગયો છે અને ભરપૂર તૈયારીમાં વ્યસ્ત છે. ધોનીની કપ્તાનીમાં
સીએસકે આઇપીએલમાં પાંચ વખત ચેમ્પિયન બની છે. જો કે તે કપ્તાની છોડી ચૂકયો છે. માહીની
ગણતરી શ્રેષ્ઠ ફિનિશરમાં થાય છે. આઇપીએલમાં તેના નામે 3 મહારેકોર્ડ છે. કદાચ તે કયારે પણ તૂટશે
નહીં. એમએસ ધોનીએ આઇપીએલમાં સર્વાધિક 226 મેચમાં કપ્તાની કરી છે. તેના આ રેકોર્ડની પણ કોઇ આસપાસ નથી.
આ સૂચિમાં રોહિત શર્મા બીજા નંબર પર છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સ ટીમની 1પ8 મેચમાં કપ્તાની કરી છે. તે પણ હવે મુંબઇનો કેપ્ટન રહ્યો નથી.
ધોની આઇપીએલ ટ્રોફી જીતનાર સૌથી મોટી વયનો ખેલાડી છે. સીએસકે 2023માં જ્યારે ચેમ્પિયન બની ત્યારે
ધોની કેપ્ટન હતો અને તેની ઉંમર 42 વર્ષ 32પ દિવસ હતી. આ ઉપરાંત આઇપીએલમાં જીતની સદી
કરનારો તે એકમાત્ર કેપ્ટન છે. ધોનીની કપ્તાનીમાં સીએસકેએ 133 મેચ જીતી છે. તેણે 226 મેચમાં કપ્તાની કરી છે. જેમાં
91 મેચમાં હાર મળી છે. 133 મેચ જીતના ધોનીના રેકોર્ડની
આસપાસ અન્ય કોઇ કપ્તાન નથી. ધોનીના આ ત્રણ રેકોર્ડ તૂટવા અસંભવ સમાન છે.