નવી દિલ્હી, તા. 18 : ચેન્નાઇ ટેસ્ટ પૂર્વે સ્ટાર બેટર વિરાટ
કોહલી અને કોચ ગૌતમ ગંભીરે એક-બીજાનો ઇન્ટરવ્યૂ લીધો જે ખૂબ ચર્ચાસ્પદ બન્યો છે. જેનો
વીડિયો બીસીસીઆઇએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ઇન્ટરવ્યૂ દરમિયાન બન્નેએ એકબીજાની
શ્રેષ્ઠ રમતો વિશે ચર્ચા કરી હતી. હરીફ ટીમના ખેલાડી સાથે દલીલ થાય ત્યારે હતાશ થઈ
જાવ છો કે વધુ સારું રમવા માટે પ્રેરિત થાવ છો, તેવા વિરાટે પૂછેલા પ્રશ્નના જવાબમાં
ગંભીરે રમૂજી શૈલી સાથે કહ્યું હતું કે, આપ બહેતર દલીલ કરી શકો છો. પછી બન્ને હસવા
લાગ્યા હતા. કોહલીએ 2011ના વર્લ્ડ કપની ગંભીરની બેટિંગ વિશે વાત કરી હતી. આ મુલાકાત
દરમિયાન બન્ને વચ્ચે ઘણી હસી-મજાક થઇ હતી. આ મુલાકાત પરથી એવું કહી શકાય કે વિરાટ કોહલી
અને ગૌતમ ગંભીર તેમની જૂની દુશ્મની ભૂલી ચૂકયા છે. વિરાટને હવે કોચ ગંભીરના માર્ગદર્શનમાં
જ ટીમ ઇન્ડિયા તરફથી રમવાનું છે. આ મુલાકાતમાં ગંભીરે કહ્યંy ન્યૂઝીલેન્ડ સામેની 10 કલાકની નેપિયર ટેસ્ટની
રમત વખતે તે હનુમાન ચાલીસા બોલતો રહેતો હતો. જ્યારે કોહલીએ જણાવ્યું કે, 2014માં ઓસ્ટ્રેલિયા
સામેની શ્રેણી વખતે તે ઓમ નમ: શિવાયના જાપ કરતો રહેતો હતો. આ શ્રેણીમાં કોહલીએ ચાર
સદી કરી હતી.