ચેન્નાઈ, તા.18 : ગુરુવારથી
અહીં શરૂ થઈ રહેલી બાંગલાદેશ વિરુદ્ધની બે ટેસ્ટની શ્રેણી જીતીને ઘરઆંગણે દબદબો જાળવી
રાખવા પર ટીમ ઇન્ડિયાની નજર હશે. આ ઉપરાંત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)
પોઇન્ટ ટેબલ પર ટોચનાં સ્થાને વધુ મજબૂત થવા રોહિત શર્માની ટીમ મેદાનમાં ઉતરશે. જો
કે ભારતના ટોચના ક્રમના બેટધરોએ સ્પિન વિરુદ્ધ તેમનાં પ્રદર્શનમાં સુધારો કરવો પડશે.
આ વખતે બાંગલાદેશનો પડકાર સહેલો નથી. તે પાકિસ્તાન સામેની 2-0ની ઐતિહાસિક જીતથી આત્મવિશ્વાસથી
ઓતપ્રોત છે. ભારત સામે મેચ ડ્રો કરવી પણ બાંગલાદેશ ટીમ માટે મોટી સિદ્ધિ ગણાશે. મેચ
ગુરુવારથી સવારે 9-30થી શરૂ થશે. આ સીઝનમાં ટીમ ઇન્ડિયા 10 ટેસ્ટ મેચ રમવાની છે. જેની
શરૂઆત જીત સાથે કરવા માગશે. આથી ડબ્લ્યુટીસી ફાઇનલનો દાવો પણ મજબૂત થશે. પાછલા દશકમાં
ઘરઆંગણે ટીમ ઇન્ડિયાનો જીત-હારનો રેકોર્ડ 40-4 રહ્યો છે. જે શાનદાર છે, પણ પાછલાં ત્રણ
વર્ષમાં કેટલીક નબળાઇ ઉજાગર થઈ છે. વિશેષ કરીને સ્ટાર બેટર વિરાટ કોહલીના મામલે. સ્વદેશમાં
201પથી કોહલીની વિશેષ ભૂમિકા રહી છે અને તમામ બોલર સામે રન કર્યા છે, પણ 2021થી સ્પિન
બોલર વિરુદ્ધ તેનો દેખાવ નબળો પડયો છે. આ દરમિયાન તે 1પ ટેસ્ટમાં 30ની સરેરાશથી જ રન
કરી શકયો છે. આ ચેમ્પિયન ક્રિકેટર તેના આ દેખાવમાં સુધારો કરવા ઈચ્છશે. બીજી તરફ કપ્તાન
રોહિત શર્મા સ્પિન બોલરો સામે વધુ સફળ રહ્યો છે. તેણે સ્પિનરો સામે 90થી વધુને એવરેજથી
રન કર્યા છે. જો કે 2021 પછી તે પણ સ્પિનરો સામે લથડતો જોવા મળી રહ્યો છે. વિકેટકીપર-બેટર
રિષભ પંતની વાપસી નિશ્ચિત માનવમાં આવી રહી છે. તે લગભગ બે વર્ષ બાદ લાલ દડાના ફોર્મેટમાં
ટીમ ઇન્ડિયા તરફથી રમશે. તે જ્યારે ઇજાનો ભોગ બન્યો ત્યારે ટીમ ઇન્ડિયાનો આઇસીસી ક્રમાંકમાં
ટોચનો બેટર હતો. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓએ ખુદને સાબિત કરવા
પડશે. આ બન્નેનું સ્પિનરો સામેનું પ્રદર્શન પણ સારું રહ્યંy છે. કેએલ રાહુલ અને સરફરાઝ ખાનમાંથી કોઈ
એકને મીડલ ઓર્ડરમાં તક મળશે. બુમરાહ, સિરાજ, અશ્વિન અને જાડેજા ચાર બોલર ઇલેવનમાં નિશ્ચિત
છે. પાંચમા બોલર તરીકે કુલદિપ યાદવ, અક્ષર પટેલ, આકાશ દીપ અને યશ દયાલ વચ્ચે રેસ છે.
પ્રથમ ટેસ્ટ મેચ ચેપોક સ્ટેડિયમની લાલ માટી પર રમાવાની છે. બાંગલાદેશ પાસે શકિબ અલ
હસન, તાઇઝુલ ઇસ્લામ અને મહેંદી હસન મિરાજનાં રૂપમાં સારી સ્પિન ત્રિપુટી છે. યુવા ઝડપી
બોલર નાહિદ રાણા સતત 1પ0 કિમી પ્રતિ કલાકની રફતારથી બોલિંગ કરી શકે છે.