• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

કચ્છના લોકપ્રતિનિધિઓ અવાજ ઉઠાવે

કિશોર ગોર દ્વારા : ભુજ, તા. 1 : કચ્છની મુખ્ય એવી ભુજ સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લાં 16 વર્ષથી સત્તાવાર  કહી શકાય તેવા સિવિલ સર્જનની નિમણૂક કરાઈ નથી, તે માટે આરોગ્ય અને તબીબી સેવા વિભાગ કારણભૂત છે કે સિવિલ સર્જનનો કાંટાળો તાજ પહેરવા કોઈ ડોક્ટર તૈયાર નથી તેવી જિલ્લાના વિદ્વાન વર્ગમાં ચર્ચા જાગી છે. છેલ્લા સત્તાવાર સિવિલ સર્જન તરીકે વર્ષ 2006માં 58 વર્ષે વયનિવૃત્ત થયેલા ડો. સૂર્યકાંત ભેડાને છ-છ મહિનાના એક્સટેન્શન આપી વર્ષ 2009-10 ચાલુ રખાયા હતા. ત્યાર બાદ તમામને હવાલો સોંપાયો જેમાં વર્ગ-1ના આરએમઓ ડો. બિમલ બૂચ (રાજકોટ), ડો. નિરંજન રાવલ, ડો. જિજ્ઞાબેન દવે, ડો. કશ્યપભાઈ બૂચ, ડો. કિશોરકુમાર રોયને કાર્યકારી સિવિલ સર્જનનો ચાર્જ સોંપાતો રહ્યો તે વચ્ચે કોઈ રજામાં જતા, તો ડો. મહેશ ટિલવાણીને ચાર્જ સોંપી દેવાતો. આમ કચ્છના ગરીબ દર્દીઓને વેઠવી પડતી મુશ્કેલીઓ નિવારવામાં રાજકીય મનોબળ સફળ થઈ શક્યું નહીં, જે લોકો પરેશાની વેઠે છે તેઓએ કચ્છના લોકપ્રતિનિધિઓને અનુરોધ કર્યો છે કે, ગાંધીનગરમાં અવાજ ઉઠાવવામાં આવે.

2013માં ગેઇમ્સને સોંપણી

2009ની ફેબ્રુઆરીમાં અદાણી મેડિકલ કોલેજ સાથે તમામ સરકારી કાર્યક્રમો ચલાવવાના એમઓયુ થયા તેના ડીન સીડીએમઓ  કચેરીમાં બેસતા, પણ એમસીઆઈનો આગ્રહ હતો કે મેડિકલ કોલેજ અને હોસ્પિટલ બે અલગ-અલગ સત્તા સંભાળી શકે નહીં, તેથી જી.કે. જનરલ હોસ્પિટલની 17મી મે 2013ના ગેઈમ્સને સોંપણી કરાઈ.

વાત અભેરાઇ ચડી

સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસના પૂર્વ અને પશ્ચિમ કચ્છ જિલ્લા બન્યા તેમ તબીબી વિભાગના બે જિલ્લા બનાવવાથી જ જી.કે.ના સિવિલ સર્જનનો પ્રશ્ન ઉકેલી શકાય. ગાંધીધામ રામબાગ હોસ્પિટલને જિલ્લા હોસ્પિટલનો દરજ્જો મળ્યો, પણ ભુજમાં સરકારી જિલ્લા હોસ્પિટલ બનાવવાની વાતો અભેરાઈએ ચઢી ગઈ.

1.76 કરોડનો ગફલો

ભુજની માનસિક હોસ્પિટલ અને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખોટા ખાતા ખોલાવીને વિવિધ સરકારી નાણાંનો વર્ષ 2017થી 2026 સુધીના આંતરિક ઓડિટમાં 1.76 કરોડનો ગફલો થયાની પોલીસ ફરિયાદ થઈ.

કોર્ટનો તાળા મારવા આદેશ

પૂર્વ મેડિકલ ઓફિસર ડો. હીરજી ભુડિયાના કેસમાં ગત ડિસેમ્બરમાં સિવિલ સર્જન કચેરીમાં જંગમ મિલકત જપ્તીનો હુકમ કરાયો. આમ છતાં સરકારે ગંભીરતાથી ન લેતાં અને 80 લાખથી ઉપર થઈ ગયેલી રકમ ચૂકવવાના આદેશનો અમલ ન થતાં જુલાઈના અંતિમ દિને કચેરીનું કોઈ પણ જાતની જાહેરાત વિના અચાનક માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સ્થળાંતર થઈ ગયું. અંતે કોર્ટે સરકારી તંત્રની બેદરકારીની ગંભીરતાથી નોંધ લઈ રકમ ન ચૂકવાય ત્યાં સુધી સિવિલ સર્જનની કચેરીનો કબજો અરજદારને સોંપવા આદેશ કર્યો તેને પગલે સિવિલ સર્જન કચેરીને તાળાં લાગી ગયાં છે. આમ અગાઉથી આ ગફલાની જાણ હોવાથી કોઇ તબીબ સિવિલ સર્જન બનવા તૈયાર ન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. બે ઇન્ચાર્જ દ્વારા વીઆરએસ પણ લઇ લેવાયું હતું.

ગરીબ દર્દીઓને હાલાકી

આમ 16 વર્ષથી કાયમી સિવિલ સર્જન તો ન મળ્યા, સિવિલ સર્જન કચેરીને પણ તાળું લાગી ગયું. ગાંધીધામ ખાતે નિયુક્ત સિવિલસર્જન ડો. કિશોરકુમાર રોયને વધારાનો હવાલો સોંપાયો હોવાથી પશ્ચિમ કચ્છનો મોટા ભાગના ગરીબ દર્દીઓને રોજિંદી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

આરએમઓ આપવા માંગ

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સિવિલ સર્જન ડો. રોય દ્વારા રાજ્યકક્ષાએ વર્ગ-1ના આરએમઓ આપો અથવા વર્ગ-1ના તબીબી અધિકારીને બઢતી આપી સિવિલ સર્જન તરીકે નિમણૂક કરવા માંગ કરાઈ છે. આમ વધારાનો હવાલો ધરાવતા સિવિલસર્જન પણ ભુજનો વહીવટ સંભાળવા તૈયાર ન હોવાનું મનાઈ રહ્યું છે.

સિવિલ સર્જનની ફરજો

* ગરીબ દર્દીઓને પુઅર ફ્રી સારવાર

* પેન્શનરોના મેડિકલ બિલ મંજૂર કરવા

* રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમો લાગુ કરવા

* સરકારી કર્મચારીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવા.

* મેડિકલ સર્ટિફિકેટ આપવા

* ફોજદારી કેસોમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આપવા

* કાનૂની જવાબદારીઓ નિભાવવી.

* દવાઓના બજેટનું આયોજન કરવું.

* હેલ્થ પરમિટ આપવી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd