ભુજ, તા. 24 : તાજેતરમાં `સમયોગા-એડિશન 2' ત્રણ દિવસીય શાત્રીય નૃત્ય
મહોત્સવનું આયોજન ભુજના અદ્વ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય શાત્રીય કલા, સંસ્કૃતિ
અને અભિવ્યક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ મહોત્સવમાં અંદાજે 40 કલાકાર વર્કશોપમાં જોડાયા
અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અમદાવાદ, વડોદરા, અંજાર અને માંડવી સહિત વિવિધ શહેરોમાંથી
કલાકારો અને કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા. `અભિનય અને મૂવમેન્ટ' વિષય વર્કશોપનું માર્ગદર્શન ચેન્નાઇથી આવેલા
વિદૂષી અંજલિ હરિહરન દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે અભિનય, સાત્ત્વિક ભાવ, પૌરાણિક
પાત્રોની સમજ તથા અભિવ્યક્તિના વિવિધ સ્તરો પર ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. ટાઉનહોલ ખાતેના
સમાપન કાર્યક્રમમાં વિવિધ શાત્રીય અને સર્જનાત્મક નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી
હતી. દેવાંશી સોમપુરાના એકલ નૃત્ય તેમજ `માડી તારું કંકુ ખર્યું' પ્રસ્તુતિએ સૌનાં મન મોહી લીધાં હતાં,
જ્યારે અંજલિ હરિહરન દ્વારા રજૂ કરાયેલું મીરા ભજન પ્રસ્તુતિએ ઉપસ્થિત દર્શકોને ભાવવિભોર
કરી લીધા હતા. મુખ્ય મહેમાન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઇ પટેલ, યૂથ ડેવલપમેન્ટ
અધિકારી દેવાંશી ગઢવી તથા સંગીતકાર કીર્તિભાઇ વરસાણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું
સંચાલન કપિલ ગોસ્વામીએ કર્યું હતું. સમયોગાનો કચ્છમાં શાત્રીય કલાઓ માટે એક અર્થપૂર્ણ
મંચ ઊભું કરવાનો પ્રયત્ન છે, જ્યાં કલાકારો, વિદ્યાર્થીઓ અને કલારસિકો એકસાથે આવી કલા
અને સંસ્કૃતિનો અનુભવ કરી શકે.