ગાંધીધામ, તા. 24 : અહીં પી.એસ.એલ. કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી
ગલીઓમાં ફરી વળતાં કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થાપિત થયું છે, જેના કારણે લોકોને પગપાળા
ચાલવું પણ મુશ્કેલ બન્યું છે અને રોગચાળાનો ખતરો પણ ઊભો થયો છે. કોંગ્રેસે કમિશનરને
ફરિયાદ કરતાં તુરંત ગટર ચેમ્બરોને સફાઈ કરવામાં આવી છે, પરંતુ રોગચાળાના ખતરાને ધ્યાને
લઈને દવા છંટકાવ સહિતની કામગીરી કરવી પડે તેમ છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો આ
વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે, ઘણા લાંબા સમયથી અહીં ગટરની સમસ્યા છે, દૂષિત પાણીનો
યોગ્ય નિકાલ થતો નથી, વારંવાર ચેમ્બરો ભરાઈ જવાથી દૂષિત પાણી માર્ગો ઉપર આવે છે અને
કાદવ કીચડ નું સામ્રાજ્ય જામે છે, જેના કારણે દુર્ગંધ ફેલાય છે અને લોકોને પોતાનાં
ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે. મચ્છરોનો ઉપદ્રવ વધતાં રોગચાળાનો ખતરો છે. આ અંગે
નગર કોંગ્રેસના મહામંત્રી લતીફ ખલીફાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતાં રવિવારે અહીં
ગટરની ચેમ્બરોની સફાઈ કરાવવામાં આવી હતી.