કોટડા (ચકાર), (તા. ભુજ),
તા. 24 : કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં
છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની અછતને કારણે પરિસ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે, જિલ્લાના
અનેક પેટ્રોલ પંપ ઉપર ડીઝલ માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો,
નાના વાહનચાલકો તેમજ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સફેદ માટી માટે જાણીતા પદ્ધર, મમુઆરા, નાડાપા અને
ડગાળા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોડર, ડમ્પર અને ટ્રકો માલ પરિવહન સાથે સંકળાયેલા
હોવાથી ડીઝલની માંગ વધી છે. ધાણેટીથી કનૈયાબે તેમજ ભુજ-ભચાઉ હાઈવે પર આવેલા પેટ્રોલ
પંપો પર સેંકડો વાહનની કતારો લાગી રહી છે, કલાકો સુધી રાહ જોવી પડતી હોવાથી પરિવહન
કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે. ફેક્ટરી માલિકોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું
કે, હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ડીઝલની અછત લાંબા સમય સુધી રહેશે, તો ઉદ્યોગોને
વધુ આર્થિક નુકસાન થઈ શકે છે. માલ પરિવહનમાં વિલંબ થવાથી ઉત્પાદન અને સપ્લાય વ્યવસ્થા
પર પણ સીધી અસર પડી રહી છે. બીજી તરફ કોટડા-ચકાર
પંથકમાં ખેડૂતો અને નાના વાહનચાલકો પણ ડીઝલ મેળવવા માટે મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતો
વહેલી સવારથી કેરબા લઈને પેટ્રોલ પંપો પર લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. કોટડા-કુકમા
રોડ પર પેટ્રોલ પંપો પાસે ખેડૂતો કેરબા સાથે ડીઝલ ભરાવવા રાહ જોતા હોવાનાં દૃશ્યો સામાન્ય
બન્યાં છે. સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ ડીઝલનો નિયમિત અને પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરાવવા
માંગ ઉઠાવી છે, જેથી ખેતી, પરિવહન અને ઉદ્યોગ ક્ષેત્રની કામગીરી સામાન્ય બની શકે. - રાજ્ય સરકાર ગંભીરતાથી નિવારણ
અર્થે નિર્ણયો લેવા જરૂરી : કચ્છ જિલ્લામાં હાલે પેટ્રોલ અને ડીઝલની
મોટા પ્રમાણમાં અછત અનેક પેટ્રોલ-ડીઝલ પંપો પર જોવા મળે છે તે નિર્વિવાદ સત્ય છે. આ
સમસ્યા સમયાંતરે વિકટ અને વરવું સ્વરૂપ ધારણ કરે એ પહેલાં રાજ્ય સરકારે ગંભીરતાથી તેનાં
નિવારણ અંગેના ચોક્કસ અને સ્થાયી નિર્ણયો લેવા જરૂરી બને છે તેવી રજૂઆત પત્ર દ્વારા
માધાપર પંચાયતના પૂર્વ સદસ્ય રૂપમ વરૂએ કરી છે. શ્રી વરૂએ કચ્છને ગુજરાત સરકાર દ્વારા
પેટ્રોલ-ડીઝલ ઊર્જા ફાળવણીમાં વિશેષ દરજ્જો આપવા પણ માંગ કરી છે, જેથી કરીને આ જિલ્લો
વધારે પુરવઠો મેળવી શકે અને જિલ્લામાં કાર્યરત નાના-મોટા ઉદ્યોગો, વ્યવસાયો અને સ્થાનિક
નાગરિકોના રોજબરોજનાં જીવન પર કોઈ પણ પ્રકારે આર્થિક તેમજ સામાજિક આડઅસર ઊભી ન થાય
અને તેમનું ભવિષ્ય સુરક્ષિત બની રહે.