• સોમવાર, 25 મે, 2026

કચ્છ જૈવિક સંપદાઓથી સમૃદ્ધ જિલ્લો

ભુજ, તા. 24 : ગુજરાત જૈવ વિવિધતા બોર્ડ-ગાંધીનગર દ્વારા કચ્છ વન વર્તુળ, ગુજરાત વન વિભાગ અને ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (ગાઇડ)-ભુજના સંયુક્ત ઉપક્રમે અહીં `આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ-2026'ની ઉજવણી કરાઇ હતી. પર્યાવરણ અને જૈવ વિવિધતાનાં જતન માટે નાગરિકોમાં જાગૃતિ લાવવાના હેતુથી `વૈશ્વિક અસર માટે સ્થાનિક પ્રયાસ આધારિત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ જૈવિક વિવિધતાનાં મહત્ત્વ વિશે જાણકારી આપી હતી. ગુનેરા ઇનલેન્ડ મેન્ગ્રુવની પ્રોમો ફિલ્મ બતાવાઇ હતી. મુખ્ય અતિથિ કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલે કચ્છ જિલ્લો જૈવિક સંપદાઓથી સમૃદ્ધ જિલ્લો છે, ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઈટ ગુનેરી ઈનલેન્ડ મેન્ગ્રુવ એ પ્રકૃતિની કચ્છને દેન હોતાં નાનામાં નાના જીવની પરવા કરીને જીવસુષ્ટિનું રક્ષણ કરવા જણાવ્યું હતું તથા દુનિયામાં બાયોડાયવર્સિટીનું જતન કરવા માટે સ્થાનિક કક્ષાએ સંરક્ષણ પ્રયાસોને જરૂરી ગણાવ્યા હતા. ગાંધીનગર બાયોડાયર્વસિટી બોર્ડના ડી.સી.એફ. શ્રેયસ પટેલ દ્વારા `જૈવિક વિવિધતા અધિનિયમ-2002', બોર્ડની વિવિધ કામગીરીઓ અને એક્સેસ એન્ડ બેનિફિટ શારિંગ માળખાં વિશે ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી અપાઇ હતી તથા બાયોડાયવર્સિટી બોર્ડની રચના, કાયદાઓ, ગ્રામજનોની બાયોડાયવર્સિટી સંરક્ષણમાં ભૂમિકા બાબતો પર પ્રકાશ પાડતાં સ્થાનિક લોકોને બાયડાયોવર્સિટીનું આર્થિક વળતર મળે તે રીતે ગુનેરી ઈનલેન્ડ મેન્ગ્રુવ સાઈટનો વિકાસ કરાશે તેવું જણાવ્યું હતું. ગાઇડ સંસ્થાના વૈજ્ઞાનિક ડો. જયેશ ભટ્ટ દ્વારા બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી અને પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટરની ભૂમિકા વિશે માહિતી અપાઇ હતી. ગ્રામજનોને બાયો-ડાયર્સિટીના સંરક્ષક ગણાવીને ગ્રામકક્ષાએ બાયોડાયવર્સિટી કમિટિનું ગઠન તેમજ યોગ્ય અમલીકરણ કરવા જણાવ્યું હતું પશ્ચિમ કચ્છ વન વિભાગના ડી.સી.એફ. હર્ષ ઠક્કરે `જૈવ વિવિધતા - માનવ જીવનનો અભિન્ન ભાગ' વિષય પર વક્તવ્ય આપી રાજિંદા જીવનમાં પર્યાવરણ સંરક્ષણના અમલી પગલાંઓ વિશે વાત કરી હતી તથા જિલ્લામાં નોંધાયેલા વન વિસ્તારો અને વન્યજીવોનું સંરક્ષણે સૌની સહિયારી જવાબદારી ગણાવી હતી. કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ વિસ્તાર જાહેર થયો છે, ત્યારે તેઓએ કચ્છની વિશેષ વનસ્પતિ તેમજ વન્યજીવો વિશે સમજણ પૂરી પાડી હતી. ગાઇડના પ્રોજેક્ટ આસિસ્ટન્ટ વિવેક ચૌહાણે જિલ્લામાં જોવા મળતી વૃક્ષોની વિવિધતા અંગે માહિતી ફોટોગ્રાફ સાથે આપી હતી.  સરહદ ડેરીના મધમાખી પ્રોજેક્ટ હેડ અનિલ મહેતા દ્વારા મધમાખી ઉછેરના પર્યાવરણીય અને આર્થિક મહત્ત્વ વિશે સમજણ અપાઇ હતી. કાર્યક્રમમાં પર્યાવરણ અને જૈવ વિવિધતા સંરક્ષણ ક્ષેત્રે મીઠા ગૂગળના રક્ષણ માટે અરવિંદભાઇ આથા, હજારો વર્ષ જૂના કલ્પવૃક્ષ રક્ષણ અને જતન માટે માવજીભાઇ કાબળિયા, એક દુર્લભ વનસ્પતિનું રક્ષણ તથા જતન માટે જીતુભા જાડેજા તથા ગુનેરી બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી સહિત વૃક્ષોના સંરક્ષણ કરનારી વ્યક્તિઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરાયું હતું. જિલ્લાની ભૌગોલિક, સામાજિક, આર્થિક અને પર્યાવરણીય વૈવિધ્યતાનો ખ્યાલ આપીને ગાઈડ સંસ્થાના ડિરેક્ટર વી. વિજયકુમારે કચ્છના સંતુલિત વિકાસ માટે અનુરોધ કર્યો હતો. આભારવિધિ તૃપ્તિ ગોહેલે કરી હતી. ભુજ તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કર, નાબાર્ડના ડીડીએમ નિરજકુમાર સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સંશોધકો, વિદ્યાર્થીઓ, વનવિભાગના અધિકારી અને કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મંચસ્થો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું તથા કચ્છ વન વિભાગ દ્વારા રોપાનું વિતરણ કરાયું હતું. 

Panchang

dd