મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 5 : આ સંકુલ અને પૂર્વ કચ્છમાં
ભારે વાહનો હવે સામાન્ય લોકો માટે જીવલેણ સાબિત થઇ રહ્યા છે. શહેરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ
પાસે વાહનો ઊભા ન રાખવા જણાવાયું હોવા છતાં અહીં વાહનોના થપ્પા લાગેલા હોય છે. બેફામ
ગતિએ દોડતાં માતેલા સાંઢ જેવા તોતિંગ વાહનોએ અનેક પરિવારોના માળા વિખેરી નાખ્યા છે.
એકતરફ નિર્દોષ લોકો જીવ ખોઇ રહ્યા છે. બીજીતરફ ટ્રાફિક પોલીસની કામગીરી સામે ગંભીર
સવાલો ઊભા થયા છે. જાણે આ મોતના `માર્ગ' પર ટ્રાફિક પોલીસની રહેમ નજર હોય તેવો ગણગણાટ
શરૂ થયો છે. - ભારે વાહનોનો
જમાવડો નિયમો માત્ર કાગળ પર : આ શહેર સંકુલમાં તંત્ર દ્વારા વારંવાર સૂચના
આપવામાં આવી છે કે, રાષ્ટ્રીય
ધોરીમાર્ગ પર ભારે વાહનોને આડેધડ ઊભા રાખવા નહીં, છતાં હાઇવે
પર સર્વિસ રોડ આસપાસ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. આ પાર્ક કરેલાં વાહનો અને બેફામ
ગતિએ ચાલતાં તોતિંગ ગાડીઓના કારણે અકસ્માતોની હારમાળા સર્જાય છે. ટ્રાફિક પોલીસ આવાં
તોતિંગ વાહનોના ચાલકો સામે લાલઆંખ કરવાને બદલે માત્ર નાના વાહનચાલકોને પકડી દંડ વસૂલી
પોતાનો ટાર્ગેટ પૂરો કરવામાં વ્યસ્ત હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. મોટા વાહનો સામે
નામમાત્રની કાર્યવાહી કરવામાં આવતી હોવાનો ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો. કાળા કાચવાળી
ગાડીઓ હજુ પણ બેફામ ફરે છે ગાંધીધામ સંકુલ અને ધોરીમાર્ગ ઉપર કાળા કાચ અને નંબર પ્લેટ
વગરની ગાડીઓ બેફામ ફરી રહી છે. અનેક પોલીસ કર્મીઓ ખુદ નંબર પ્લેટ વગરની તથા કાળા કાચવાળી
ગાડીઓ ફરે છે. નંબરી ધંધાવાળા અનેક શખ્સો પણ કાળા ધંધા માટે કાળા કાચવાળી ગાડીઓથી આંટાફેરા
કરતા હોય છે. માત્ર નાના વાહનચાલકોને પકડતી પોલીસ આવા શખ્સો સામે શા માટે ટૂંકી પડે
છે તેવો પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. - પ્રસાદીનાં પ્રકરણથી પોલીસબેડામાં ચર્ચા : પોલીસ વિભાગમાં અમુક ભ્રષ્ટ અને પલળેલા
કર્મીઓના કારણે આખા વિભાગ ઉપર ડાઘા પડતા હોય છે. ટ્રાફિક શાખાના એક વિભાગના અમુક પલળેલા
કર્મીઓએ મોટી કંપની પાસેથી હાલમાં કોઇ પ્રકરણે પ્રસાદી મેળવી હતી, જે અંગે ઉપરી અધિકારીઓ સુધી પણ વાત પહોંચી હોવાનું
સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્રકરણમાં કોઇ પગલાં લેવાયાં હોય તેવું બહાર કાંઇ આવ્યું
નથી, ત્યારે આ પ્રકરણે કોઇ પગલાં લેવાશે, લગામ કસાશે ? કે પછી જવા દેવામાં આવશે તેવો ગણગણાટ પોલીસબેડામાં
થઇ રહ્યો છે. એકબાજુ માથું ફાડી નાખે તેવા તાપમાં પણ અમુક કર્મીઓ ખડેપગે પાહેતાની ફરજ
અદા કરી રહ્યા છે. બીજીબાજુ પલળેલા અમુક કર્મીઓનાં કૃત્યોના કારણે આખા પોલીસબેડા ઉપર
આક્ષેપ થઇ રહ્યા હોવાની ચર્ચાએ બેડામાં જોર પકડયું છે.