ભુજ, તા. 5 : મહાનગરોમાં હેલ્મેટ વિના વાહન
ચલાવતા લોકોથી નારાજ ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ સરકારે દરેક સરકારી કર્મચારીઓને ફરજિયાત
હેલ્મેટ પહેરવાનો પરિપત્ર કરતાં કચ્છમાંએ 45 ડિગ્રી ગરમીમાં તેની અમલવારી થવા સાથે શહેર અંદરના વિસ્તારોમાં
ફરજિયાત હેલ્મેટની અમલવારી કરાતાં નાગરિકોમાં કચવાટ ફેલાયો હતો અને સમયાંતરે થતી કાર્યવાહી
સામે નારાજગીનો સૂર ઊઠવા પામ્યો હતો. રાજ્ય
સરકાર દ્વારા બહાર પડાયેલા પરિપત્ર બાદ આખા મહિના દરમ્યાન ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ
ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત
કચ્છમાંયે છેલ્લા બે દિવસથી જુદી જુદી કચેરીઓમાં પોલીસ દ્વારા હેલ્મેટ વિના આવતા કર્મચારીઓને
સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, આ કાર્યવાહી અંતર્ગત
શનિવારે બહુમાળી ભવન પાસે શહેરની અંદર આમ નાગરિકો સામે પણ પોલીસે દંડનીય કાર્યવાહી
હાથ ધરતા નારાજગીનો સૂર સાંભળવા મળ્યો હતો અને સરકારી અધિકારીઓ અને ખુદ પોલીસ કર્મચારીઓ
પણ તેની અમલવારી ન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
બીજીતરફ શહેરના વાણિયાવાડ, હોસ્પિટલ રોડ, અનમ રિંગરોડ, છઠ્ઠીબારી રિંગરોડ, બસ સ્ટેશન જેવા અનેક વિસ્તારોમાં ટ્રાફિક નડતરરૂપ બનતા જાહેર માર્ગો પર ગેરકાયદે
દબાણ કરીને ઊભેલા લારી ગલ્લાવાળા, આડેધડ પાર્કિંગ કરતાં વાહનો
હટાવવામાં ઊણી ઉતરતી ટ્રાફિક પોલીસ હેલ્મેટ મુદ્દે કડક કાર્યવાહી કરતા કેટલાક નાગરિકોએ
રોષ વ્યક્ત કર્યો હતો.