ભુજ, તા. 7 : કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
જંગ માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે આ ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ કેટલી
રકમની ડિપોઝિટ ભરવી પડે છે તે જાણવું મહત્ત્વનું બની રહેશે, એ
જ રીતે કચ્છમાં મનપા, નગરપાલિકા, જિલ્લા
અને તાલુકા પંચાયત માટે ઉમેદવારોએ પોતાનું ફોર્મ રજૂ કરી શકે એ માટે અલગ-અલગ 24 સ્થળે વ્યવસ્થા ગોઠવવામાં આવી
છે. નોંધનીય છે કે, જિલ્લા તંત્ર
દ્વારા 42 મુખ્ય અને 49 મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ
કરવામાં આવી છે. - મહાનગરપાલિકા માટે ત્રણ સ્થળે
વ્યવસ્થા : ગાંધીધામ મનપાની ચૂંટણી માટે ત્રણ મુખ્ય
અને ત્રણ મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. ઉમેદવારો બાળ વિકાસ યોજના
અધિકારીની કચેરી ડીસી-પ આદિપુર, મામલતદાર કચેરી અને ગાંધીધામ મનપા ઓફિસના રૂમ
નં. સાત ખાતે પોતાનું ફોર્મ ભરી શકશે. - નગરપાલિકા માટે સાત સ્થળે ફોર્મ ભરી શકાશે : ભુજ નગરપાલિકાના
એકથી છ વોર્ડ માટે પ્રાંત અધિકારીની કચેરી, વોર્ડ 7થી 11 માટે મામલતદાર ભુજ શહેરની કચેરી, અંજારમાં એકથી પાંચ વોર્ડ માટે પ્રાંત અધિકારીની
કચેરી અને 6થી 9 વોર્ડ માટે અંજાર સિટી સર્વે સુપરિ. કચેરી, માંડવી નગરાપલિકા માટે સુધરાઈ કચેરીના રૂમ નં.
8, મુંદરા અને નખત્રાણા નગરપાલિકા
માટે સંબંધીત પ્રાંત અધિકારીની કચેરીમાં નિયુક્ત
અધિકારીઓ પાસે ઉમેદવારો ફોર્મ ભરી શકશે. - જિલ્લા-તાલુકા પંચાયત માટે આ સ્થળે વ્યવસ્થા : જિ. પંચાયતની 38 અને 9 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સંબંધીત મામલતદાર
કચેરી, સર્કલ ઓફિસ, તાલુકા પંચાયત કચેરી, પ્રાંત અધિકારીની કચેરી
ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં
આવી છે. - ડિપોઝિટ રકમની
વિગત : મહાનગરપાલિકામાં સામાન્ય ઉમેદવાર માટે 3000 મહિલા, અ.જા, અનુ. આદિ જાતિ પછાત
વર્ગના ઉમેદવાર માટે 1પ00, નગરપાલિકામાં સામાન્ય અને અન્ય
કેટેગરીના ઉમેદવાર માટે અનુક્રમે 2000 અને 1000, જિલ્લા પંચાયતમાં
4000 અને 2000, જ્યારે તાલુકા પંચાયતમાં 2000 અને 1000ની ડિપોઝિટ નક્કી કરાઈ છે. - બીજા દિવસે
વધુ 383 ફોર્મનો ઉપાડ : ઉમેદવારીપત્રક ભરવાના બીજા દિવસે જિલ્લામાં
એક પણ ફોર્મ ભરાયું નહોતું. મહાનગરપાલિકામાં પ4, પાંચ નગરપાલિકામાં 97, જિલ્લા પંચાયતમાં 42 અને 9 તાલુકા પંચાયતમાં
190 મળી 383 ફોર્મનો ઉપાડ થયો છે. બે દિવસમાં
જિલ્લામાં 937 ફોર્મ વિતરીત થયાં છે.