• શનિવાર, 18 એપ્રિલ, 2026

કોંગ્રેસના ગઢ અબડાસા તા.પં.ની ટિકિટોમાં જ `ખેલા' ?

ભુજ, તા. 7 : કોંગ્રેસનો ગઢ ગણાતા અબડાસામાં છેલ્લા અઢી દાયકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કે પછી થતા `ખેલા'નાં કારણે કોંગ્રેસના હાથમાં આવતી સત્તા છીનવાઇ જાય છે. પાંચ વર્ષ પહેલાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં બહુમતી હોવા છતાં અદ્ધવચ્ચે તાલુકા પંચાયત ભાજપે કબજે કરી લેતાં મોટી સોદાબાજીની ચર્ચા ચાલી હતી, પરંતુ હવે તો ટિકિટ ફાળવણી પહેલાં જ `ખેલા' કરવાની હિલચાલ થતાં ખુદ સત્તા પક્ષ પણ ગેલમાં આવી ગયો હોવાનું બહાર આવ્યું છે. અબડાસા તાલુકા પંચાયત જ નહીં વિધાનસભામાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. જો કે, વર્તમાન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા પછી લગલગાટ કેસરિયો ઝંડો લહેરાય છે, પરંતુ હાલમાં જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી જામવાની છે, ત્યારે જૂના ઇતિહાસનું પુનરાવર્તન થાય તેવી અટકળો જોવા મળી છે. સત્તા પક્ષ ભાજપે 60 વર્ષથી વધુ વયવાળા અથવા એક જ પરિવારમાં ટિકિટ મેળવી ચૂક્યા છે તેવા અથવા ત્રણ વખત ચૂંટણી લડી ચૂક્યા હોય તેને ટિકિટ નહીં ફાળવાય તેવો નિર્ણય લેતાં હવે ક્યાં જવું એવું માની ભૂતકાળમાં ભાજપ - કોંગ્રેસ, લોકદળ સહિતના પક્ષમાં રહી ચૂકેલાઓ ચૂંટાયા પહેલાં જ કોંગ્રેસ સાથે હાથ મિલાવી ચૂંટણીમાં જીત મળે તો ભાજપ સાથે સોદાબાજીના પેંતરા શરૂ થઇ ચૂક્યા છે. સૂત્રોએ કહ્યું કે, કોંગ્રેસના જ અમુક લોકો ટિકિટ અપાવી દેવાની ખાતરી આપીને બારાતુઓને  ચૂંટણી લડાવવાની યોજના બનાવી લેતાં અબડાસાના મતદારોના મત કોંગ્રેસને મળતા હોવા છતાં મત ફેલ જતા હોવાનું બહાર આવ્યું હતું. આ જ જૂથના અમુક લોકોએ 1999માં શરૂઆત કરી હતી અને ત્યારે ખરીદ-વેચાણની નીતિનો પાયો નાખવામાં આવ્યો હતો. તે વખતે પણ કોંગ્રેસને બહુમતી હોવા છતાં લોકદળ રચી ભાજપ સાથે હાથ મિલાવી પોતાના ચોગઠા ગોઠવાયા હતા. પાંચ વર્ષ પહેલાં પણ અબડાસામાં કોંગ્રેસને બહુમતી મળી હતી. 18માંથી 10 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા, પરંતુ બરાબર અઢી વર્ષે કોંગ્રેસી ત્રણ સભ્યએ ભાજપ સાથે હાથ મિલાવતાં અબડાસા તા.પં.માં કમળ ખીલ્યું હતું. 2023માં ઊથલપાથલ થઇ, ત્યારે મોટાપાયે ચર્ચા જાગી હતી કે, મોટી રકમની લેવડ-દેવડ કરવામાં આવી હતી. હવે આવું અદ્ધવચ્ચે થાય એ પહેલાં જ કોંગ્રેસે જાણે ટિકિટો વેચી નાખી હોય તેમ ચોગઠા ગોઠવાઇ રહ્યા હોવાના હેવાલ મળ્યા છે. આમ કોંગ્રેસનો ગઢ ગણાતી અબડાસા તાલુકા પંચાયતમાં 2010, 15 ભાજપે સપાટો બોલાવ્યો હતો, પરંતુ હવે પોતાના અરમાન પૂરા કરવા કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓને સાધીને પરિણામ પહેલા જ ટિકિટ ફાળવણીમાં `ખેલા' થઇ જાય તેવું જાણવા મળ્યું હતું. 

Panchang

dd