ભુજ, તા. 3 : જમીન માફિયાઓ પર લગામ લગાવવા
માટે રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગનો કાયદો અમલમાં મૂક્યો છે. જો કે કચ્છમાં છેલ્લા
ત્રણેક માસથી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક ન મળતાં અરજદારો હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
કેટલાક જાગૃત અરજદારોએ પોતાની વ્યથા વર્ણવતાં કહ્યું કે, કચ્છમાં કરાયેલી જોગવાઈ મુજબ લેન્ડ ગ્રેબિંગની
અરજી મળે તેનો છ માસમાં નિકાલ કરવાનો હોય છે, પણ કેટલાક કિસ્સામાં
એક વર્ષ કરતાં વધુ સમયથી અરજીનો નિકાલ થતો નથી. વહીવટી તંત્રના વિલંબના કારણે અરજદરોને
પારાવાર સમસ્યા વેઠવાની નોબત આવી રહી છે. જો
દર મહિને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક નિયમિત મળે તો અરજદારોને ઘણી રાહત થાય તેમ છે.
આ કમિટીની બેઠક ત્રણ માસથી શા માટે નથી મળી એ પણ એક તપાસનો વિષય છે.