નલિયા, તા. 4 : અબડાસાના બિટ્ટા ગામની સરકારી
પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધીમાં 165 જેટલા છાત્ર અભ્યાસ કરે છે,
પરંતુ નવ વર્ગ વચ્ચે એક જ શિક્ષક કાર્યરત છે. શિક્ષકોની ઘટને કારણે બાળકોનું
ભાવિ અંધકારમય બની રહ્યું હોવાની ફરિયાદો સાથે ગામલોકોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી
અને વહેલી તકે શિક્ષકોની ઘટ પૂરવા માંગ કરાઈ હતી. લાંબા સમયથી શિક્ષણની આ દયનીય સ્થિતિને
પગલે જે-તે શાળાઓમાં વિદ્યાર્થીઓ ઓછા હોય ત્યાંથી શિક્ષકોને તાત્કાલિક ધોરણે બિટ્ટા
ગામની શાળામાં ડેપ્યુટેશન પર મૂકવા રજૂઆત કરાઈ હતી. ગામના અગ્રણી મોહનભાઈ વડોરે આક્રોશ
વ્યક્ત કરતાં તંત્ર વહેલી તકે સક્રિય થઈ યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરાઈ હતી. તાલુકાની
અન્ય શાળામાં શિક્ષકોનો પૂરતો સ્ટાફ છે, જ્યારે બિટ્ટા ગામમાં
તંત્ર દ્વારા ભેદભાવ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. શાળામાં કાર્યરત એકમાત્ર
શિક્ષક પાસે ભણાવવા ઉપરાંત આચાર્યનો વહીવટી કાર્યભાર અને બી.એલ.ઓ. જેવી સરકારી જવાબદારીઓ
પણ નીભાવવાની હોવાથી તાલુકા મથકે મિટિંગ કે તાલીમમાં જવાનું થાય ત્યારે શાળા રામભરોસે
થઈ જાય છે અને વર્ગખંડોનું સંચાલન માત્ર મોનિટરો દ્વારા કરાતું હોવાનું જણાવ્યું હતું.
વહેલી તકે શાળામાં પૂરતા શિક્ષકો ઉપલબ્ધ નહીં કરાય તો બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને
ગામના લોકો હિજરત કરવા મજબૂર બનશે તેવી ચીમકી અપાઈ હતી. સત્વરે શિક્ષણ વિભાગ દ્વારા
પગલાં લઈ નવ વર્ગ વચ્ચે 165 બાળક માટે
પૂરતો સ્ટાફ, શિક્ષકો પૂરા પાડવામાં
આવે તેવી માંગ કરાઈ હતી.