ભુજ, તા. 4 : વિપક્ષના ગટર-પાણી સહિતના પ્રશ્નો
વચ્ચે ભુજ સુધરાઈના ત્રિમાસિક હિસાબો સાથેના વિવિધ શહેરીજનોની સુખાકારી માટેના કામોના
ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. ભુજ નગર સેવા સદનના નવા સંકુલ ખાતે પ્રથમવાર મળેલી
સામાન્ય સભાના પ્રારંભે ઉ.પ્ર. ઘનશ્યામ ઠક્કરે ઓકટોબર 2025થી ડિસેમ્બર 2025 સુધી ખૂલતી સિલક 57.06 કરોડ સાથે કુલ્લ આવક 12.26 કરોડ સામે કુલ્લ ખર્ચ 15.50 કરોડ સાથે બંધ સિલક 53.82 કરોડ મળી 69.32 કરોડના ત્રિમાસિક હિસાબો તથા
ભુજ શહેરમાં પાણી, ગટર,
લાઈટ સહિતના વિકાસકામોને સમાવતા 88 ઠરાવો રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે
બહાલી અપાઈ હત. જેમાં ખાસ કરીને ડામર રોડ, પેચવર્કનાં કામો, આર.ટી.ઓ. સર્કલ રિનોવેશન, ભંગાર વાહનોની હરાજી, હાઈમાસ્ટ ટાવર લગાવવા, નવા મોલ ઊભા કરવા, કચેરી સભાખંડને સુવિધાસભર બનાવવા,
વર્ષ 2025-26માં
મંજૂર બજેટથી વધુ થયેલા ખર્ચ વિ. ને બહાલી અપાઈ હતી. સભા પ્રારંભે પ્રમુખ રશ્મિબેન
સોલકીએ ઉપસ્થિતોને આવકાર્યા હતા. મુખ્ય અધિકારી અનિલ જાદવ મંચસ્થ રહ્યા હતા. સત્તાપક્ષ
અને વિપક્ષના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા પોલીસ બંદોબસ્ત
પણ ગોઠવાયો હતો.- કરોડોના ઠરાવોને બહાલી, પણ લોક સમસ્યા યથાવત્ : કોંગ્રેસ : ભુજના વોર્ડ નં. 1 અને બેના અલગ-અલગ વિસ્તારોમાં ગટર, પાણીની સમસ્યા મુદ્દે અનેક રજૂઆત છતાં પ્રશ્ન
હલ ન થતા હોવાનો આક્ષેપ વિપક્ષી નેતા કાસમ સમા તથા નગરસેવિકા આઈસુબેન સમાએ આક્ષેપ કરી
જણાવ્યું કે, પ્રમુખ અને મુખ્ય અધિકારી સહિતે સ્થળ નિરીક્ષણ કર્યું
હોવા છતાં ઊભરાતી ગટર બંધ થઈ નથી, તો ચારથી પાંચ વિસ્તારોમાં
ગટરમિશ્રિત પાણીની ફરિયાદ પણ યથાવત્ રહી હોવાનું કહી લોકસમસ્યા ઉકેલાતી ન હોય ત્યારે
વિકાસકામોના ઠરાવોને બહાલીનો કોઈ મતલબ ન હોવાનું જણાવ્યું હતું. કચેરીમાં કાયમી મુખ્ય
અધિકારી ન હોવાથી લોકોને સમસ્યાના ઉકેલ માટે ધક્કા ખાવા પડતા હોવાનું ઉમેર્યું હતું.
જો કે, પ્રમુખ તથા ઉ.પ્ર. એ વિપક્ષના સવાલોના જવાબ વાળ્યા હતા.- પ્રમુખસ્થાનેથી
રજૂ થયેલા ઠરાવો : સામાન્ય સભામાં સુધરાઈના પ્રમુખસ્થાનેથી
રજૂ થયેલા ઠરાવોનું વાંચન મનુભા જાડેજાએ કર્યું
હતું, જેમાં ખાસ કરીને - ભુજ નગરપાલિકા પાણી પુરવઠાની મેઈન લાઈન માધાપર પાસે રિપેરિંગનો
ખર્ચ 3.25 લાખના ખર્ચને મંજૂરી. - ગણેશનગર પેન્થન મોલ પાછળ, રામદેવપીર મંદિર સામે આઠ ઈંચની પાઈપલાઈનનો ખર્ચ
2.40 લાખને મંજૂરી.