• ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2026

ગાંધીધામ મહાનગરપાલિકાએ 400 દબાણકારને નોટિસ ફટકારી

ગાંધીધામ, તા. 4 : અહીં મહાનગરપાલિકાએ ગોપાલપુરીના ખૂણાથી લઈને ખોડિયારનગર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધી તેમજ ટ્રાન્સપોર્ટનગરમાં ગેરકાયદે થયેલાં 400 દબાણને નોટિસ ફટકારી છે.  સમયમર્યાદાની અંદર અતિક્રમણ દૂર નહીં થાય, તો મશીનરી સાથે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ છે, ઓસ્લો સર્કલથી કોટેશ્વર ચાર રસ્તા સુધી 245 દુકાનદારને નોટિસ આપ્યા પછી ત્યાં સ્વેચ્છાએ અતિક્રમણ દૂર થઈ રહ્યાં છે. રાજવી ફાટકથી એક્સપ્રેસ લાઈન ઉપર થયેલાં દબાણ દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું, લગભગ ત્રણ તબક્કામાં ગોપાલપુરીના ખૂણા સુધીનાં દબાણો દૂર કર્યા બાદ ચોથા તબક્કામાં ગોપાલપુરીથી લઈને ખોડિયારનગર-રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ સુધી 230 દબાણકારને સ્વેચ્છાએ દબાણ દૂર કરવા માટેની નોટિસ આપવામાં આવી છે, તો ટ્રાન્સપોર્ટનગરમાં 170થી વધુ દબાણકારને નોટિસ ફટકારવામાં આવી છે. અત્યાર સુધીમાં એક્સપ્રેસ લાઈન ઉપરથી લગભગ દબાણો દૂર કરી નાખવામાં આવ્યાં છે. આગામી સમયમાં ઓમ મંદિરથી લઈને ખોડિયારનગર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સુધી રિંગરોડ બનાવવામાં આવશે અને આ માટેનું આયોજન ઘડવામાં આવી રહ્યું છે, ટૂંક સમયમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવા માર્ગનાં નિર્માણ માટેની તમામ પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવશે તેમ જવાબદારો કહી રહ્યા છે. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં આધુનિક માર્ગોનું નિર્માણ થઈ રહ્યું છે, તેમાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. મ્યુનિસિપલ કમિશનર તરીકે મનીષ ગુરુવાણીના આવ્યા પછી મુખ્ય બજારથી અતિક્રમણ દૂર કરવાનું શરૂ કર્યું હતું અને અહીં સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલથી લઈને મહાત્મા ગાંધી માર્કેટ સુધી લગભગ સાડા આઠ કરોડ રૂપિયાના ખર્ચે પાર્કિંગ વ્યવસ્થા સાથે આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવશે અને લોકોને પગપાળા ચાલવા માટે આર્કેડ ખૂલી કરાવવાનો હેતુ છે.  જો કે, હજુ સુધી તો તે હેતુ સાર્થક થયો નથી, પરંતુ દબાણો દૂર થતાં લોકોની ઘણી સમસ્યાઓ હલ થઈ રહી છે. હાલના સમયે માર્ગોનાં કામ ચાલુ છે એટલા માટે વાહન પાર્કિંગ સહિતની સમસ્યાઓ છે, પણ થોડાક સમયમાં તે દૂર થવાની સંભાવના વહીવટી તંત્ર વ્યક્ત કરી રહ્યું છે. દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રહેશે અનેક વિસ્તારોમાં નોટિસો આપી છે અને ત્યાં કાર્યવાહી થઈ રહી છે, તો રેલવે સમાંતર રોડ અને ટ્રાન્સપોર્ટનગર તેમજ ઓસ્લો સર્કલ ઉપર મોટાપાયે નોટિસો આપીને કાર્યવાહી થઈ રહી છે. આગામી સમયમાં અહીં માર્ગો તેના મૂળ સ્વરૂપમાં જોવા મળે તેવી સંભાવના છે. 

Panchang

dd