• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

નાની નાગલપરમાં હનુમાનજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ગોબરમય બન્યો

અંજાર, તા. 2 : નાની નાગલપર વાડી વિસ્તારમાં હનુમાનજી મંદિરનો પાંચ દિવસ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. વિશાળ યજ્ઞ મંડપમાં ગોબરનું લીપણ કરવામાં આવ્યું છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટેનો દૃઢ સંકલ્પ પણ લેવાયો છે. અંજારના નાની નાગલપર ગામે વાડી વિસ્તારમાં મંદિર ન હોવાથી યુવાન દાતા હિતેશભાઈ કારા અને સમગ્ર પરિવાર દ્વારા પોતાની જ વાડીમાંથી મંદિર માટે ભૂમિદાન અને સંપૂર્ણ બાંધકામ ખર્ચ આપવાની પહેલ થતાં સ્થાનિકોનો ઘણા લાંબા સમયનો સંકલ્પ સાકાર થયો.  ખૂબ જ ઓછા સમયમાં વિશાળ પરિસર સાથે મંદિર નિર્માણ થતાં તેને સંકટમોચન હનુમાનજી નામ અપાયું. તા. 5 ડિસેમ્બર સુધી  પ્રાણપ્રતિષ્ઠા અને ચતુર્વેદ પારાયણનો મહોત્સવ ચાલી રહ્યો છે. સનાતન વૈદિક પરંપરાની શાસ્ત્રોક્ત પદ્ધતિ અને તેના નિયમોને ચુસ્ત રીતે વળગી રહીને ભુદેવો દ્વારા થતી સમગ્ર વિધિનું મુખ્ય આચાર્ય પદ કચ્છના ગૌ કથાકાર શાસ્ત્રી જયદીપભાઈ વ્યાસ સંભાળી રહ્યા છે. મહોત્સવની વિશેષતામાં સમગ્ર આયોજનમાં સમરસતાના ભાગરૂપે વાડી વિસ્તારમાં રહેતી 10થી વધુ વિવિધ જાતિ અને જ્ઞાતિના સમૂહની સહભાગિતા છે. આ ગામના નિવાસી અને આરએસએસની સૌરાષ્ટ્ર પ્રાંત ગૌસેવા ગતિવિધિ સંયોજક મેઘજીભાઈ હીરાણીએ ગાયનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે, ભૂમિપૂજન સમયે મંદિરની જગ્યાએ પાંચ દિવસ ગાયને નીરણ, યજ્ઞશાળાનું કામ અને મહોત્સવના પ્રારંભે પણ ગાયનું વિચરણ કરાવીને એ ભૂમિને પવિત્ર અને ઊર્જાવાન બનાવાઈ હતી અને પ્રતિકાત્મક રીતે સુવર્ણના હળથી એ ભૂમિનું ખેડાણ કરવા સાથે સમગ્ર પંડાલમાં ગોબરનું લીપણ, હવનની આહુતિ અને ભોજનમાં પણ ઘી અને દેશી ગાયનું દૂધ યજમાન ઉપરાંત સૌ કોઈ ધોતી સહિતના પરિવેશમાં છે. સંપૂર્ણ મહોત્સવમાં દરેક વ્યવસ્થામાં પ્લાસ્ટિકના નિષેધ કરાયો છે. યજ્ઞ મંડપ અને સુશોભન પણ સાચા ફૂલ, કેળા, નાળિયેર અને આસોપાલવનાં પાનથી કરવામાં આવ્યું છે. વૈદિક રીતે તૈયાર થયેલા વાંસના વિશાળ યજ્ઞ મંડપમાં એક પણ વ્યવસાયિકને કામ સોંપ્યા વગર મહિના અગાઉની થયેલી દરેક તૈયારીઓ સ્થાનિક યુવા ભાઈઓ બહેનો દ્વારા ગોબર લીપણ સહિતનું સંપૂર્ણ કામ જાત મહેનતથી કરવામાં આવ્યું છે. દિવસે પ્રતિષ્ઠા વિધિનાં દર્શન, ભોજન પ્રસાદ અને રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસોત્સવ, સંતોની ઉપસ્થિતિ અને આશિર્વચન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિકોને લાભ લેવા યજમાન પરિવાર અને સમગ્ર આયોજન સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ ટ્રસ્ટના મંત્રી કિશોરભાઈ કેરાઈએ જણાવ્યું હતું.

Panchang

dd