ગાંધીધામ, તા. 1 : ગળપાદરના
સહારાનગરમાં લાંબા સમયથી પીવાનું પાણી, સફાઈ, સ્ટ્રીટ
લાઈટોની સમસ્યા મુદ્દે લોકો મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને અધિકારીઓને પોતાને
કનડતી સમસ્યાઓની વ્યથા ઠાલવી હતી. મહાનગરપાલિકા બન્યા તેના 11 મહિનાથી વધુનો સમય વીતી ગયો છે. અત્યાર સુધીમાં ખાસ
કોઈ સુધારા જોવા મળ્યા નથી, પરંતુ કમિશનર તરીકે મનીષ ગુરુવાણી
આવ્યા બાદ સ્થિતિ બદલી રહી છે. કરોડો રૂપિયાના વિકાસનાં કામો હાથ ધરાયાં છે. એક સાથે
બધા કામો કરવા અને સમસ્યાઓ હલ કરવી સંભવ નથી. તબક્કાવાર આયોજન કરીને કામો થઈ રહ્યાં
છે, પરંતુ ગળપાદર સહિતના ગ્રામીણની સોસાયટી વિસ્તારોમાં ઘણી સમસ્યાઓ
છે. રોડ રસ્તાની સ્થિતિ સારી નથી, ગટરની સમસ્યા છે, નિયમિત સફાઈ થતી નથી, પીવાનું પાણી મળતું નથી,
સ્ટ્રીટ લાઇટોની સુવિધાઓ નથી. જેના કારણે રાત્રિના સમયે લોકોને મુશ્કેલીઓનો
સામનો કરવો પડે છે. આવી અનેક સમસ્યાઓથી પીડિત લોકો મહાનગરપાલિકા પહોંચે છે. ગળપાદરના
સહારાનગરમાં લાંબા સમયથી પીવાના પાણી, સફાઇ, ગટર, લાઈટ સહિતની સમસ્યાઓ મુદ્દે રજૂઆતો કરવામાં આવી
હોવા છતાં હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. આજે મોટી સંખ્યામાં મહિલાઓ મહાનગરપાલિકા
પહોંચ્યા હતા અને પ્રથમ પાણી વિભાગના ઘનશ્યામ પૂજારાને મળીને રજૂઆત કરી હતી. ત્યાર
પછી અલગ-અલગ ભાગોમાં રજૂઆતો કરી હતી. થોડા સમયમાં સમસ્યાઓનું નિરાકરણ આવશે તેવું આશ્વાસન
આપવામાં આવ્યું હતું. હવે સમસ્યા ક્યારે હલ થાય છે, તે જોવાનું
રહ્યું છે.