ભુજ, તા. 1 : અબડાસામાં
કાર્યરત ખાનગી સિમેન્ટ કંપની સ્થાનિકોને રોજગારી આપવામાં નીરસતા દાખવી રહી હોવાના આક્ષેપ
સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી
કરવાની માંગ કરાઇ હતી. એબીજી સિમેન્ટ કંપની કે જેને નુવાકો વિસ્ટાર્સ કોર્પ કંપનીએ
હસ્તાંતર કરી લીધી છે તેમના દ્વારા સ્થાનિક રોજગારી આપવામાં અખાડા કરવા સાથે અકરી, નાની બેર અને જાંબુડીને દત્તક લીધા બાદ યોગ્ય વિકાસ ન થયાનો આક્ષેપ પાઠવાયેલા
આવેદનપત્રમાં કરાયો છે. નવી કંપનીના હસ્તાંતરણ બાદ કંપનીથી 30 કિ.મી.ના વિસ્તારમાં એક પણ વ્યક્તિને નોકરી ન આપવાનો ભેદભાવભર્યો નિયમ અમલી બનાવાયો છે. લાઇમ
સ્ટોન લીઝ વિસ્તારમાં ખાનગી માલિકીના ખેતરનો ઉપયોગ ગેરકાયદે રીતે કરાઇ રહ્યો છે. જાંબુડી
ગામ તરફ જતો રસ્તો પણ 5 મહિનાથી
ગેરકાયદે રીતે બંધ કરી દેવાયો છે. કંપની દ્વારા ગૌચર જમીન પર પણ દબાણ કરવામાં આવ્યું
છે. મંચ દ્વારા ખોટી ફરિયાદની તપાસ કરવા, રોજગાર કરારનું પાલન કરવા,
બંધ પડેલો રોડ ખુલ્લો કરવા, ખનન કામગીરી પર રોક
લગાવવા, ગૌચર દબાણને મુક્ત કરવાની માંગ કરાઇ છે. હિતેશ મહેશ્વરી,
ઇકબાલ મંધરા, રાણુભા જાડેજા, ઇબ્રાહિમ હાલેપોત્રા, રમેશ ગરવા, એચ. એસ. આહીર, લાખુભા સોઢા, અલી
લાખા કેર, જગુભા જાડેજા, પચાણ મહેશ્વરી,
મહેન્દ્ર ઠક્કર, રાવલ મિરજા જત, રાજા રબારી, છગન જોશી સહિત આવેદનપત્ર આપવામાં જોડાયા
હતા. આ મુદ્દે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ધરણા યોજવાની ચીમકી અપાઇ છે.