ભુજ, તા. 1 : કચ્છમાં
છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં જોવા મળતી ધૂંધળાશ હળવી થવાની સાથે જ હવામાન વિભાગના
અનુમાન લઘુતમ પારો ગગડયો છે. નલિયામાં પારો ત્રણ ડિગ્રી ગગડીને 14.8 ડિગ્રીએ પહોંચતાં આ મથક રાજ્યના ઠંડાં મથકોમાં ફરી
એકવાર મોખરે રહ્યું હતું. હવામાન વિભાગના વર્તારા પ્રમાણે લઘુતમ પારો ગગડતાં વહેલી
સવારના અરસામાં ઠંડીની ચમક અનુભવાઈ હતી. જો કે, બપોરના સમયે વાતાવરણમાં
ઉષ્ણતા અનુભવાતાં માહોલ વિષમ બન્યો હતો. જિલ્લા મથક ભુજમાં એક ડિગ્રીના ઘટાડા સાથે
લઘુતમ પારો 16.8, તો અંજાર-ગાંધીધામમાં
બે ડિગ્રીના ઘટાડા સાથે 16.6 ડિગ્રીએ
પહોંચતાં સવાર-સાંજ ટાઢકનો અનુભવ થયો હતો. વાતાવરણમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળતી
ધૂંધળાશ ઘટતાં તડકાએ પણ પોતાનો પ્રભાવ દેખાડયો હતો. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન
તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી સંભાવનાને નકારી છે. ભુજ-નલિયામાં લઘુતમ પારો 11થી 14 ડિગ્રી
વચ્ચે રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.