મુંદરા, તા. 1 : મુંદરા
સ્થિત અદાણી ફાઉન્ડેશન પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહ્યું છે. તાજેતરમાં મુંદરા
તાલુકાનાં રામાણિયા અને બેરાજા ગામોમાં મોટાપાયે વનીકરણ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં
આવ્યો છે. આ પહેલનો ઉદ્દેશ 5,500 સ્વદેશી
વૃક્ષ વાવીને ચાર એકર જમીનમાં ગાઢ જંગલ બનાવવાનો છે. અદાણી ફાઉન્ડેશનની ટીમ અને ગ્રામજનોના
સંયુક્ત પ્રયાસોથી ગાઢ જંગલ ત્રણ વર્ષમાં સ્થાપિત
થઈ જશે. આ પ્રોજેક્ટ હેઠળ, રામાણિયામાં બે એકર જમીનમાં 3,000 વૃક્ષ અને બેરાજામાં બે એકર જમીનમાં 2,500 વૃક્ષ વાવવામાં આવશે. નોંધનીય છે કે, લગભગ 40 પ્રકારના
સ્વદેશી ફળ, ફૂલ અને ઔષધીય છોડનું રોપણ પક્ષીઓ માટે ખોરાક સુનિશ્ચિત કરશે
અને સ્થાનિક સમુદાયને વિપુલ પ્રમાણમાં ઓક્સિજન અને ઔષધીય લાભો પૂરા પાડશે. આ પહેલ અંતર્ગત
ફાઉન્ડેશન દ્વારા બંને ગામમાં સુંદરવન કુટિર બનાવવામાં આવશે, જેનો વડીલો અને પ્રકૃતિપ્રેમીઓ લાભ લઈ શકશે. સ્થાનિકોએ વનીકરણની આ પહેલનું
ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે. રામાણિયાના સરપંચ બળવંતાસિંહ ગોહિલે કહ્યું હતું કે,
`આ વૃક્ષારોપણ થકી ઊભું થનાર વન પક્ષીઓ માટે નવું આશ્રયસ્થાન
બનશે,' તો બેરાજાના સરપંચ લાલુભા જાડેજાએ ગાઢ વન ગામની ટેકરીઓને
વધુ મનોહર બનાવશે, તેવી આશા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક
સમુદાયના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કચ્છનાં અનેક ગામોમાં
અદાણી ફાઉન્ડેશન દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે તળાવ સુધારણા, પીવાનાં પાણી માટે ફિલ્ટર કૂવા તથા ચેકડેમ સુધારણા જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં
આવી રહી છે.