ભુજ, તા. 1 : કચ્છ
કલ્યાણ સંઘ સંચાલિત એન્કરવાલા સરસ્વતી વિદ્યામંદિર પ્રસાદી ભવન ખાતે શ્રીમદ ભગવદ ગીતા
જયંતીની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમમાં વંદનામાં અષ્ટાદશ શ્લોકી ગીતાના શ્લોકોનું ગાન
કરાયું હતું. શ્રીમદ ભગવદ ગીતાનું પૂજન શાળાના પ્રધાનાચાર્ય નિરવબેન પાંધી, નિયામક વનરાજસિંહ જાડેજા, સહપ્રધાનાચાર્ય દર્શનાબેન ધોળકિયા
અને વાલી સમિતિના પ્રમુખ કેયૂરભાઇ મજેઠિયા તથા બાળકોએ કર્યું હતું. નિયામક શ્રી જાડેજાએ
જણાવ્યું હતું કે, ગીતાજી એકમાત્ર એવો ગ્રંથ છે જેની જયંતી ઉજવવામાં
આવે છે. ગીતાજી એ ભગવાનના મુખેથી કહેવામાં આવેલ હોતાં બધા અધ્યાયોમાં ભગવાન શ્રી ઉવાચ
કહેવામાં આવ્યો છે. ગીતાજીમાં જ્ઞાન, કર્મ અને ભક્તિના ત્રિવેણી
રસનું માર્ગદર્શન કરતા 18મા
અધ્યાયમાં 700 શ્લોક છે.
દરેક શ્લોકમાં ઊંડું અને ગહન માર્ગદર્શન છે. ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલી
પ્રશ્નોતરીરૂપી સંવાદમાં જીવનની દરેક સમસ્યાનો ઉકેલ છે. તમામ મત પંથ સંપ્રદાયથી ઉપર
ઉઠીને વિશ્વના સમસ્ત માનવજાત માટે જીવનવ્યવહારમાં ઉપયોગી અને પ્રેરક માર્ગદર્શન પૂરું
પાડતું અમૂલ્ય ગ્રંથ ગીતાજી છે. અષ્ટાદશ શ્લોકી ગીતાના શ્લોકોની પૂર્તિમાં સોપાન એકથી
ત્રણ તથા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ દ્વારા શ્લોક પૂર્તિ કરાઇ હતી. શ્રી મજેઠિયાએ
શિક્ષણ સાથે અપાતા સંસ્કાર બાળકોના ઘડતરમાં પાયારૂપ ભૂમિકા ભજવે છે તેવું જણાવ્યું
હતું. કાર્યક્રમમાં શાળાના પ્રધાનાચાર્ય, નિયામક તથા શાળા પરિવારનો સહયોગ રહ્યો
હતો. કાર્યક્રમના સંયોજક ખુશ્બૂબેન તથા ઊર્વશીબેન રહ્યા હતા.