રજનીકાંત કોટડિયા દ્વારા : ગાંધીધામ, તા. 1 : ગાંધીધામ પાલિકા દ્વારા ગત વર્ષમાં પાણી પાછળ 6.49 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છતાં સંકુલના પાંચ લાખથી વધુ લોકોને ફિલ્ટર વગર પીવાનું પાણી મળી રહ્યું છે. લોકોના સ્વાસ્થ્ય ઉપર ગંભીર ખતરો ઊભો થયો છે. ગત વર્ષે મોટાભાગના રૂપિયા મહેકમ પાછળ ખર્ચાયા છે. ચાલુ વર્ષમાં ખર્ચમાં વધારો કરવામાં આવ્યો છે અને લગભગ 12 કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન તંત્ર દ્વારા થઈ રહ્યું છે અને આ માટે બજેટમાં પણ ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. તત્કાલીન સમયની નગરપાલિકાએ જાન્યુઆરી સુધી અને ત્યારબાદ મહાનગરપાલિકાએ 31 માર્ચ 2025 સુધી એટલે કે વર્ષ દરમિયાન પાણી વિભાગ પાછળ કુલ છ કરોડ 49 લાખ 81 હજાર 503 રૂપિયાનો ખર્ચ કર્યો છે. જેમાં પંપિંગ હાઉસની મોટરોનું સંચાલન અને નિભાવણી પાછળ રૂ.21,17,802 ખર્ચવામાં આવ્યા છે. તો 58,28,199 રૂપિયા પાણી ખરીદી પાછળ ખર્ચ્યા છે. જ્યારે જાળવણી અને નિભાવની તથા વિસ્તરણ માટે 84,75,338 રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તો 1 એપ્રિલ, 2024થી લઈને 31 માર્ચ 2025 દરમિયાન એક વર્ષમાં પાણીના ટાંકાઓ ઉપર જે મોટરો ચાલે છે તેના વીજ વપરાશ પાછળ 1 કરોડ 80 લાખ 24,645 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એક વર્ષમાં અંદાજીત 6.50 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે છતાં ફિલ્ટર પ્લાન્ટની સ્થિતિ સુધરી નથી. છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી ફિલ્ટર પ્લાન્ટ બનશે. પરિણામે ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોના લગભગ પાંચ લાખ લોકોને ફિલ્ટર વગરનું પાણી પીવું પડે છે. મેન્ટેનન્સ પાછળ રૂપિયા ખર્ચાય છે પરંતુ લોકોના સ્વાસ્થ્ય માટે જરૂરી એવા ફિલ્ટર પ્લાન્ટની મરંમત કરવાની તસ્દી લેવામાં આવી નથી. ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની એટલે કે જી યુ ડી સી દ્વારા 28 એમએલડીની આસપાસનો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કાર્યરત થયો નથી. અને લગભગ ચાર મહિના પછી તે નવો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત થાય તેવી શક્યતાઓ છે. હાલના સમયે તો લોકોને ફિલ્ટર વગરનું પાણી પીવું પડે છે આ ઉપરાંત લાઈનોમાં લીકેજ હોવાથી ઘણા વિસ્તારોમાં ગટર મિશ્રિત દૂષિત જળ ઘરના નળમાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય ઉપર ગંભીર ખતરો છે. કમિશનર દ્વારા આ બાબતે પગલાં ભરાય તેવી માંગ લોકો કરી રહ્યા છે.
ત્રણ વર્ષ પછી ખર્ચમાં વધારો કરાયો
મહાનગરપાલિકા બન્યા તેના 11 મહિનાનો સમય પૂર્ણ થયો છે. અત્યાર સુધીમાં જાજો કોઈ
બદલાવ જોવા મળ્યો નથી, પરંતુ હવે કામગીરી થઈ રહી છે. ત્રણ
વર્ષ પછી પાણી વિભાગના ખર્ચમાં વધારો થયો છે. વર્ષ 2022/23માં રૂ. 8,19,59,021
વર્ષ 2023/24માં રૂ.7,10,26,180નો ખર્ચ કરવામાં આવ્યો હતો. વર્ષ 2024/25 ના અંદાજપત્રમાં રૂ.8,57,00,000 ના ખર્ચની જોગવાઈ હતી. તેની સામે વર્ષ દરમિયાન કુલ
રૂ.6,49,81,503 નો ખર્ચ કરવામાં
આવ્યો છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષ 2025/26 માં
પાણી વિભાગ પાછળ રૂ.12,05,10,000 ના
ખર્ચની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
એક વર્ષમાં ટેન્કરોનું 22.68 લાખ ભાડું ચૂકવાયું
પાલિકાના વહીવટી તંત્ર પાસે ખુદના પાણીના ટેન્કરો
છે. પીવાના પાણીની લાઈનોનું વિશાળ નેટવર્ક છે. 32 કરોડના
ખર્ચે એજન્સી હજી લાઈનો નાખી હતી. તેમાં જમીનથી 20 ફૂટ
ઉપર સુધી પાણી પહોંચશે તેવા દાવાઓ કરાયા હતા. પરંતુ હાલના સમયે જમીન ઉપર પણ વ્યવસ્થિત
રીતે તે લાઈનોમાંથી પાણી મળતું નથી. ભ્રષ્ટાચારની ફરિયાદ છે. તપાસ થતી નથી. તત્કાલીન
સમયની પાલિકાએ ટેન્કરો ભાડે રાખીને વર્ષ દરમિયાન 22,68,355 રૂપિયા
ટેન્કર સંચાલકોને ભાડા પેટે ચૂકવ્યા છે. તો ચાલુ વર્ષમાં ભાડે ટેન્કર રાખવા માટેના
20 લાખના ખર્ચની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. જોકે
હાલના સમયે મનપા પાસે લગભગ નવ આસપાસ પાણીના ટેન્કર છે.
સૌથી વધુ મહેકમ પાછળ 2.82 કરોડનો ખર્ચ કરાયો
તત્કાલીન સમયની નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે
વ્યાપક રૂપિયાનો વેડફાટ થયો હોવાના ગંભીર આક્ષેપો છે. એજન્સીઓ મારફતે બિનજરૂરી કર્મચારીઓને
રાખવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાન મહેકમ પાછળ 2 કરોડ
82 લાખ 67 હજાર
165 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં કાયમી મહેકમ
પાછળ 32,61,577 રૂપિયા ખર્ચાયા
હતા તો હંગામી મહેકમ પાછળ 1 કરોડ
63 લાખ 83 હજાર
773 રૂપિયા ખર્ચાયા હતા. જ્યારે આઉટસોર્સથી જે મહેકમ રાખ્યું
હતું તેની પાછળ 86 લાખ 21 હજાર 815 રૂપિયા
નો ખર્ચ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા બન્યા પછી વહીવટમાં સુધારો થાય તેવી આશા સેવાઈ
રહી છે.
ટપ્પરમાં મોટર બંધ હોવાથી પાણીનું દબાણ ઘટ્યું
ગાંધીધામ મહાનગર પાલિકાને હાલના સમયે 30 એમએલડી પાણી મળી રહ્યું છે. જરૂરિયાત મુજબ પાણી ન મળતાં
તેની સીધી અસર વિતરણ ઉપર પડે છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હાલના સમયે
ટપ્પર ડેમ ઉપર એક મોટર બંધ હોવાથી પાણીનો ફ્લો એટલે કે પ્રેસર ઓછું છે. 4500 નો ફ્લો હોવો જોઈએ, તેના બદલે 1800 થી લઈને 3600 સુધીનો
ફ્લો પ્રેસર છે. જરૂરિયાત મુજબનું પાણી ન મળતા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
પાણી પુરવઠા બોર્ડ દ્વારા સ્થિતિમાં સુધારો કરવામાં આવે તે તાતી જરૂરિયાત છે.