ભુજ, તા. 1 : મતદારયાદીને
શુદ્ધ અને ક્ષતિરહિત બનાવવા માટે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સુધારણા
ઝુંબેશ છેડવામાં આવી છે. સરના નામે ઓળખાતી આ કામગીરીની મુદ્દત વધારવામાં આવી છે. ત્યારે
કચ્છમાંથી પોણા બે લાખ મતદારનાં નામ મતદારયાદીમાંથી કમી થઈ જશે એ નિશ્ચિત થઈ ગયું છે.
હજુ કામગીરીનો ધમધમાટ જારી હોવાથી આ આંકડો
હજુ વધી શકે છે. નાયબ જિલ્લા ચૂંટણી અધારી વિવેક બારહટના જણાવ્યાનુસાર 2002ની મતદારયાદીને આધાર બનાવી આખી મતદારયાદીને અપડેટ કરવામાં
આવી રહી છે. સ્પેશિયલ ઈન્ટેસિવ રિવિઝન અંતર્ગત કચ્છમાં અત્યાર સુધી 83.7પ ટકા મતદારોના ડેટા ડિજિટાઈઝ્ડ કરી દેવાયા છે. 16,90,પ84 મતદારમાંથી 16,89,028 મતદારના
એન્યુમરેશન ફોર્મ ભરાઈને આવી ચૂક્યા છે. જે કુલ મતદારોના 99.91 ટકા થાય છે. આ પૈકી 14,1પ,836 મતદારના
ડેટા ડિજિટાઇઝ્ડ કરી દેવાયા છે. નાયબ જિલ્લા
ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ક્ષતિરહિત કરવા માટે મૃત્યુ પામેલા,
કાયમી રીતે સ્થળાંતરિત થયેલા, બીએલઓની મુલાકાત
દરમિયાન ગેરહાજર જણાયેલા મતદારોને શોધી તેમના નામ દૂર કરવાની કામગીરી પણ આગળ ધપી રહી
છે, જેમાં અત્યાર સુધી 1.70 લાખ મતદારના નામ કમી થવાનું નિશ્ચિત થઈ ગયું છે. સરની
મુદ્દત વધારીને હવે 11 ડિસેમ્બર
કરી દેવામાં આવી પણ કચ્છનું તંચ્ર નિર્ધારિત 4 ડિસેમ્બરે
કામગીરી આટોપી લેવાય તે દિશામાં કામ કરી રહી છે.