• શનિવાર, 15 નવેમ્બર, 2025

પ્રત્યેક જીવ પ્રકૃતિની સેવા કરે તે જરૂરી

નાના રતડિયા, તા. 14 : ભાગવતમાં કૃષ્ણ શબ્દનો ત્રણ અર્થમાં ઉલ્લેખ મળે છે. કૃષ્ણ, યમુના અને કાળી નાગ - ભગવાન વામન અને વિરાટ બન્ને રૂપ ધારણ કરી શકે છે. સંસારમાં બધા પદો નષ્ટ થઈ જાય  પરંતુ ઈશ્વર ચરણમાં સમર્પિત પદ કદી અસ્ત નથી પામતું. અન્ન દૂષિત થાય એનું મન દૂષિત - કલુસિત થઈ જાય એમ શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિરે મુખ્યદાતા અનિલકુમાર મણિશંકર પેથાણી (કારા જ્વેલર્સ) દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ પારાયણમાં કથાનું રસપાન કરાવતા પ્રવક્તા પવનકૃષ્ણ શાત્રીએ વિવિધ પ્રસંગોનું આચમન કરાવતાં કહ્યું હતું. પ્રથમ ચરણમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સાથે આવેલા અગ્રણીઓએ ધર્મલાભ લઈ શંકરાચાર્યજી અને વ્યાસપીઠની વંદના કરી હતી. રસોઈઘર જ્યારથી `િકચન' થઈ ગયું ત્યારથી અન્નમાં અપવિત્રતા આવી ગઈ. યજ્ઞ હોય ત્યાં ઈન્દ્ર પ્રસન્ન થાય અને વૃષ્ટિ થકી સૃષ્ટિનું પાલન થાય. કર્મથી જીવ સુખ અને દુ:ખનો અનુભવ કરે છે એટલે પ્રત્યેક જીવે પ્રકૃતિની સેવા કરવી, પર્વત, નદી, જળવાયુને જફા પહોંચે ત્યારે ભૂમિ ડામાડોળ થાય અને ભૂકંપ જેવી આફતો વિનાશ સર્જે છે.પ્રકૃતિની છેડછાડ થાય ત્યારે ભગવાન પ્રાકૃતિક દંડ આપે એમ બોધાત્મક રસાસ્વાદમાં કથાકારે કહ્યું હતું. કોલકાતાથી આવેલા ભારતીબેન સંદીપકુમાર અગ્રવાલે કથા વંદના કરી હતી. બીજા સત્રમાં વ્યાસાસનેથી સ્વામી જિતેન્દ્રનાથજીએ કહ્યું હતું કે ભગવાનનો છેડો છોડાય તો આસુરી શક્તિ કેડો ના મૂકે. ભાગવતમાં 242 મંત્રો એવા છે જેના જાપથી કષ્ટ દૂર થાય. દેવ કરતાં દાસ ભાવનું સ્થાન અદકેરું છે. દાસત્વ એટલે સ્વત્વને પરમ તત્ત્વમાં વિલીન કરી ભક્તિમાં લીન થઈ જવું. પ્રત્યેક ઘરમાં ગાયનું પાલન થાય તો ગૌશાળાઓ ચલાવવાની જરૂર ન પડે. સમાજમાં વૃદ્ધાશ્રમોએ મૂલ્યોના હ્રાસની પ્રતીતિ છે. ગુરુ સત્યનું દર્શન કરાવનાર હોય. ગુરુત્વ ગરિમારૂપ હોવું જોઈએ. પૂ. શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીજીએ કથા શ્રવણ કર્યું હતું. પ્રથમ સત્રમાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર સાથે હર્ષદ ઠક્કર (હકી), મુખ્યદાતા પરિવારના પ્રેમજીભાઈ વીરજી પેથાણી (કાકા), ખુશાલભાઈ મોતા (મામા), જીતુભાઈ, રામજીભાઈ વગેરેએ આરતીનો લાભ લીધો હતો. બીજા સત્રમાં જિલ્લા વાલીમંડળના પ્રમુખ શ્રવણસિંહ વાઘેલા, જિ.પં. સત્તાપક્ષના નેતા હરિભાઈ જાટિયા, રબારી સમાજના અગ્રણી રાજુભાઈ રબારી, રાણશીભાઈ ગઢવી, સામતભાઈ ગઢવી, આર.એસ.એસ.ના અગ્રણી રાજેશ સોરઠિયા, પ્રેમજીભાઈ વીરજી પેથાણી, કેશવજીભાઈ મારૂ સહિતના અગ્રણીઓ કથા શ્રવણના અંતે આરતીમાં જોડાયા હતા. આચાર્ય જયંતીલાલ જોશીએ પુરોહિત કર્મ કર્યું હતું. પૂ. કલ્યાણાનંદગિરિજી સાથે ટ્રસ્ટીઓ સામજીભાઈ નાકરાણી, વસંતભાઈ ભદ્રા, નારાણભાઈ ચૌહાણ, મનોજભાઈ અમૃતિયાના હસ્તે સ્વામી જિતેન્દ્રનાથજીનું બહુમાન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ભાવિકોએ રસપાન કર્યું હતું. કીર્તિભાઈ ગોરે સૌને સત્કાર્યા હતા. 

Panchang

dd