ગાંધીધામ, તા. 14 : કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના
લાલ ગેટથી કિડાણા જતા રસ્તા ઉપર ગટરનાં પાણીનો નિકાલ કરતી મુખ્ય લાઈન બેસી જતાં ખાડીમાં
પાણી છોડવાનું બંધ થયું છે, જેના પગલે
ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. જેને લઇને ખેડૂતો સાથે આગેવાનોએ મહાનગરપાલિકાના
ડ્રેનેજ વિભાગમાં રજૂઆત કરી છે. અહીં ગટર લાઈન બેસી ગઈ હોવાથી હાલના સમયે ખાડીમાં પાણી
છોડવાનું બંધ કરવામાં આવ્યું છે અને લાઈનને મરંમત કરવાની છે, પરંતુ અનેક અડચણ હોવાથી કામગીરી થતી નથી, ડ્રેનેજ વિભાગ
દ્વારા ગટરની લાઈન બદલવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. ગાંધીધામ-આદિપુર જોડિયાં શહેરથી નીકળતું લગભગ 22થી 25 એમએલડી ગટરનું દૂષિત પાણી વેલસ્પન કંપની વરસામેડીમાં કરોડો રૂપિયાના
ખર્ચે બનાવેલા સુએજ પ્લાન્ટમાં લઈ જાય છે ને ત્યાં તેનું શુદ્ધિકરણ કરીને તે પાણીનો
ઉપયોગ કરે છે, ત્યાંથી જે પાણી નીકળે
છે, તેને બીજી લાઈન મારફતે કંડલાને ખાડી સુધી લઈ આવવામાં આવે
છે ને ત્યાં તેનો નિકાલ કરાય છે. વર્ષોથી નગરપાલિકા તમામ દૂષિત પાણી ખાડીમાં નિકાલ
કરતી હતી, હવે મોટાભાગના પાણીનો વરસાદી ઉપયોગ થાય છે અને જે સાવ
ઉપયોગમાં લઈ શકાતું નથી, તેવું પાણી પાઇપલાઇન મારફતે ખાડીમાં
આવે છે. અહીંથી ખેડૂતો તે પાણીનો ઉપયોગ કરે છે. ભારાપર સહિતનાં ગામના ખેડૂતો પોતાના
પાક માટે આ પાણીનો ઉપયોગ કરે છે, પરંતુ લાલ ગેટથી કિડાણા જતા
માર્ગ ઉપર લાઈન બેસી ગઈ છે, જેના કારણે ખાડીમાં પાણી છોડવાનું
બંધ કર્યું છે, તેના કારણે ખેડૂતોને પણ રંજકા સહિતના પાક માટે
આગેવાનો સાથે ખેડૂતો રજૂઆત કરવા આવ્યા હતા. આ અંગે ડ્રેનેજ એન્જિનીયર અને સેનેટરી ઇન્સ્પેક્ટરને
રજૂઆત કરી છે. આગામી સમયમાં આ સમસ્યાનું સમાધાન આવે તેવી સંભાવના છે. - પીજીવીસીએલની
વીજલાઈન નડતરરૂપ બની : સ્પેશિયલ
ઇકોનોમિક ઝોનના લાલ ગેટથી લઈને કિડાણા જતા માર્ગ ઉપર ગટરનાં પાણીનો નિકાલ કરતી મુખ્ય
લાઈન બેસી ગઈ છે, જેના કારણે
ગંભીર સમસ્યા છે. તંત્રને લાઈન બદલવી છે, પણ અહીં પીજીવીસીએલ
નડતરરૂપ છે એક બાજુ ઝોનની દીવાલ છે અને બીજી બાજુ પીજીવીસીએલના થાંભલા નડતરરૂપ બન્યા
છે. આ માટે પીજીવીસીએલને રજૂઆત પણ કરવામાં આવી છે અને આગામી સમયમાં તે કાર્યવાહી કરશે
અને ત્યારબાદ લાઈન નાખવાની કામગીરી થાય તેવી શક્યતા છે.