• શનિવાર, 15 નવેમ્બર, 2025

ગાયની સેવા અશ્વમેધયજ્ઞ સમાન પુણ્ય

મોટા ભાડિયા (તા. માંડવી), તા. 14 : ભજન, ભોજન અને માનવ સેવાની સરવાણી સદાકાળ જ્યાં વહી રહી છે એવા માંડવી તાલુકાના ઐતિહાસિક તીર્થધામ ધ્રબુડી ખાતે આવેલી ગૌશાળામાં ગાયોના જતન અને સંવર્ધન અર્થે રૂા. 21 લાખ જેવી રકમથી નિર્માણ પામનારા શેડનું દાતાના હસ્તે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શિયાળો, ચોમાસું અને ઉનાળો એમ ત્રણેય ઋતુમાં પશુઓને અનુકૂળ આવે તે રીતે નિર્માણ પામનારા આ શેડના દાતા મૂળ ગામ ડેપા અને વ્યવસાય અર્થે દાદર-મુંબઈને કર્મભૂમિ બનાવનાર શાંતિલાલભાઈ ડુંગરશીભાઈ મારુ (સુવિધા પરિવાર)ના હસ્તે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ યોજાઇ હતી. 160 ફૂટ બાય 55 ફૂટ લંબાઈ-પહોળાઈ ધરાવતા અને રૂપિયા 21 લાખની લાગતથી નિર્માણ પામનારા આ શેડથી ગાયોની સેવા અને સુશ્રુષામાં વધારો થવાની નેમ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરાઈ હતી. આ અવસરે યોજાયેલા સમારોહને સંબોધતા  ભૃગુ આશ્રમ ધ્રબુડી તીર્થધામ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અરાવિંદભાઈ  ગોરે જણાવ્યું હતું કે, ગૌસેવા, ગૌદાન, ગૌરક્ષણ અને ગૌકીર્તનથી મનુષ્ય પોતાનો જ નહીં, પરંતુ પરિવારના કુળનો પણ ઉદ્ધાર કરે છે. શાત્રોક્ત મત વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, ગાયની સેવા અશ્વમેધયજ્ઞ સમાન પુણ્ય પ્રદાન કરનારી છે.  નિર્માણ પામનારા શેડમાં લગભગ 200 જેટલા પશુ આરામથી ચારો ચરી શકે. સારી બંધાઈ શકે તેવી સવલત ઊભી થવાથી ગૌસેવા વધુ સારી રીતે થઈ શકશે, તેવો ભાવ ટ્રસ્ટના મંત્રી અરાવિંદ મોતાએ વ્યક્ત કર્યો હતો. ટ્રસ્ટી આલાભાઇ ગઢવીએ જણાવ્યું હતું કેગાય એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે અને તેની સેવાના સેવનમાત્રથી મનુષ્યના પાપ નષ્ટ થઈ જતા હોવાનું કહ્યું હતું. ટ્રસ્ટ પરિવાર દ્વારા દાતા શાંતિલાલભાઈને સન્માનિત કરાયા હતા. ઉપપ્રમુખ મણિલાલ અમૃતિયા, ટ્રસ્ટીઓ નટુભા જાડેજા, પચાણ સંગાર, ભરત ગોર, ભરતાસિંહ જાડેજા, મૂરજી નાકર, સેવકો સંગ્રામાસિંહ જાડેજા, પ્રવીણ પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન દિનેશ સેવકે કરાવી હતી. ટ્રસ્ટનો સ્ટાફ પરિવાર સહયોગી રહ્યો હતો. 

Panchang

dd