• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

ભૂગર્ભજળ સંચયનો વિષય ભણાવવાની અનોખી પહેલ

અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 12 : માત્ર આપણા રણપ્રદેશમાં જ નહીં, પરંતુ દેશ-દુનિયામાં આજે ભૂગર્ભજળનાં જીવન માટે જડીબુટ્ટી સમાન સ્રોતને સાચવવાની જરૂરત ઊભી થઈ છે. જીવલેણ બોમ્બ વિસ્ફોટ જેટલા જ ઘાતક વસ્તીવિસ્ફોટ તેમજ `િવકાસ'નાં નામે જબરદસ્ત પ્રમાણમાં ઔદ્યોગિકીકરણની અસરથી ભૂગર્ભજળ ઓસરવાની `અનિચ્છનીય' ઘટનાઓ બની રહી છે. કાળાં માથાંના માણસથી માંડીને પશુ-પંખી સહિત સમસ્ત જીવસૃષ્ટિની જીવાદોરી સમાન ભૂગર્ભજળના પરંપરાગત સ્રોતને સાચવવાનું શિક્ષણ, સમજણ, તાલીમ આપવાનું અદ્ભુત અભિયાન એક `સંવેદનશીલ' સંસ્થાએ બે દાયકા કરતાં વધુ સમયથી છેડયું છે... - `એરિડ'નો લીલો એજન્ડા : કચ્છ-સૌરાષ્ટ્રના 262થી વધુ સહિત દેશના કુલ નવ રાજ્યનાં સાતસોથી વધારે ગામમાં ભૂગર્ભજળ પ્રત્યે જાગૃતિ, સમજણ, સંવેદનશીલતા લાવવાની `જીવનપોષક' પ્રવૃત્તિઓ જ કરતી એરિડ કોમ્યુનિટીસ ટેક્નોલોજીસ (એસીટી) સંસ્થા આજે છેવાડાના પ્રદેશની એક નાની સંસ્થા માત્ર ન રહી જતાં તેનું કદ રાષ્ટ્રીય સ્તરે ફેલાયું છે. આ સંસ્થાના સૂત્રધાર અને માંડવી તાલુકાના કોકલિયાના કર્મઠ સમાજચિંતક યોગેશ મહેતાએ `કચ્છમિત્ર' સાથે વાત કરતાં કહ્યું હતું કે, `સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન'ને કચ્છ યુનિવર્સિટીમાં વિષયરૂપે ભણાવાય તેવા પ્રયાસો જારી છે. કહેવાતું રહે છે ને કે, કૂવામાં હોય તો અવાડામાં આવે... મતલબ એ થયો કે, જાણકારી હોય તો વાત સમજમાં આવે... લોકો જોશે નહીં તો જાણશે નહીં, જાણશે નહીં તો સમજશે નહીં અને સમજશે નહીં તો સ્વીકારશે નહીં. ભૂગર્ભજળનું પણ એવું જ છે. આ સ્રોત દેખાતો જ નથી, એટલે લોકો જાણતા જ નથી. લોકોને આ સ્રોત બતાવી જાણ કરવા, જાગૃત કરવાથી માંડી, સમજતા, સ્વીકારતા કરવાની પહેલ 40 કાર્યકરની સમર્પિત સંસ્થા એસીટીએ કરી છે. - 760થી વધુ ગામમાં સક્રિય : એમએસસી, પીએચડી  અને ડિપ્લોમા ઈન એન્વાયર્નમેન્ટ ઈકોલોજીનો અભ્યાસ કર્યા પછી `એસીટી'ની રચના કરનારા અને આજે કચ્છ યુનિવર્સિટીમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે પણ પ્રવૃત્ત યોગેશભાઈ જાડેજાએ પ્રદેશથી  આખા દેશ સુધી વિસ્તરેલા વિરલ વ્યાયામ વિશે માંડીને વાત કરી હતી. દેશના રાજસ્થાન, ઓરિસ્સા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તેમજ છત્તીસગઢ રાજ્યોના 700થી વધારે ગામમાં પણ `એસીટી સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન'ની પ્રેરક પ્રવૃત્તિઓ કરી રહી છે. ભવિષ્યમાં, કહો કે નજીકના ભવિષ્યમાં માત્ર કચ્છ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં ભૂગર્ભજળ અંગે લોકજાગૃતિ લાવવા, સંશોધનો કરવા જેવી પ્રવૃત્તિઓ માટે રાજ્યસ્તરનું ભૂગર્ભજળ સંગઠન રચવાની તૈયારી છે. - કચ્છ યુનિવર્સિટી સાથે... : કચ્છ યુનિવર્સિટીમાં `સેન્ટર ફોર વોટર રિસોર્સ એન્ડ સસ્ટેનેબલસ્ટડીઝ'ની સ્થાપના કરવાની કવાયત પણ જારી હોવાનું શ્રી જાડેજાએ જણાવ્યું હતું. હાઈડ્રોલોજિસ્ટ (જળ-વ્યવસ્થાપન નિષ્ણાત)ની ભૂમિકા ભજવી રહેલા યોગેશ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છમાં બિદડા, નલિયા અને માંડવી તાલુકાનાં કોકલિયા ગામમાં એમ ત્રણ નાનાં-નાનાં રિસોર્સ સેન્ટર ઊભાં કરાયાં છે, જેને `ભૂજલ ગુરુકુલ' નામે ઓળખ આપી છે. આવું એક સેન્ટર 25થી 30 ગામમાં લોકોને ભૂગર્ભજળ પ્રત્યે જાગૃત કરી તાલીમ આપી, ભૂગર્ભજળ સ્રોતોની વિગતો મેળવવાં જેવાં કામ કરે છે. - `એસીટી'ના `ભૂજલ જાણકાર' શબ્દનો દેશભરમાં સ્વીકાર : ભૂગર્ભજળના સ્રોતો બતાવી, તેની જાણકારી, સમજણ, આ સ્રોતોને સાચવવાની તાલીમ આપવાના અભિયાનને અસરકારક બનાવવા માટે એસીટી સંસ્થાએ ગામડાંઓના યુવાનોને જોડયા, જેમેને `ભૂજલ જાણકાર' નામ અપાયું. આપણાં કરચ્છમાં યોગેશભાઈની સંસ્થાએ આવા 350થી વધુ સ્વયંસેવક `ભૂજલ જાણકાર' તૈયાર કર્યા છે. ખાસ રસપ્રદ હકીકતો એ જાણવા મળી છે કે, `એસીટી 'તરફથી અપાયેલા `ભૂજલ જાણકાર' શબ્દને સન્માનભેર સ્વીકારીને દેશભરમાં સમાન ક્ષેત્રે સક્રિય સંસ્થાઓએ હજારો ભૂજલ જાણકાર તૈયાર કર્યા છે. એસીટી અત્યારે દેશના નવ રાજ્યમાં 30થી વધુ સંસ્થાને સહયોગ, માર્ગદર્શન આપી રહી છે. આ પ્રત્યેક સંસ્થા 400થી 500 ગામમાં સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન ક્ષેત્રે કામગીરી કરી રહી છે. - આયોજનપંચ સમક્ષ : ગુજરાત તેમજ દેશને ભૂગર્ભજળ સંચયનો સંદેશ આપનારા એરિટ કોમ્યુનિટીઝ (એસીટી) સંસ્થાએ `સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન'નો અભિગમ સરકારી કાર્યક્રમોમાં પણ લાવવા પ્રયાસ કર્યો. પ્લાનિંગ કમિશન સમક્ષ મુદ્દો લઈ ગયા. ભૂગર્ભજળ સ્રોતોની માપણી કરવાનું શીખવવાની પ્રવૃત્તિઓ કરી. ભૂગર્ભજળ રિચાર્જ, પાણી વપરાશ નિયંત્રણ માટે લોકજાગૃતિ, તાલીમના પ્રયાસોનાં પ્રભાવશાળી પરિણામો મળ્યાં છે. કનકાવતી સાત પથ્થર પર કે-માર્ક યોજના અમલી કરતી સંસ્થા ભૂગર્ભજળનાં આકલનથી માંડીને ગામ, ખેતર, પરિવાર દીઠ આયોજન, અમલ, ભૂગર્ભમાં પાણીનો સંગ્રહ વધારવાનો વ્યાયામ કરી રહી છે. - કચ્છ યુનિવર્સિટી સાથે મળીને એસીટી ભૂગર્ભજળના પાઠ ભણાવે છે : યુવાનો ભૂગર્ભજળને શીખશે તો સમજશે અને તો જ સ્વીકારશે તેવી વિચારધારા સાથે આ પ્રવૃત્તિમાં શિક્ષણ સંસ્થા સાથે જોડાણનો વિચાર આવ્યો. કચ્છ યુનિવર્સિટી સાથે સંકલન સાધીને એસીટી `િડપ્લોમા ઈન પાર્ટિશિપેન્ટસ્ટ ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટ' કોર્સ ચલાવી રહી છે. એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ (એસીટી) સંસ્થાની પ્રવૃત્તિની પ્રભાવશાળી અસરની પ્રતીતિ કરાવતી હકીકત એ જાણવા મળી કે, છેક એમ.એસ. યુનિવર્સિટી બરોડા, આઈઆઈટી ગાંધીનગર, મુંબઈ, નીરમા યુનિવર્સિટી, શિવનાદર યુનિવર્સિટી દ્વારા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સ્ટડીઝના છાત્રો ભૂગર્ભજળ સાચવવાનું શિક્ષણ મેળવવા એસીટીનાં આંગણે આવે છે. અમારી પ્રવૃત્તિ કે સંશોધન પર અમારો કોઈ અધિકારભાવ નથી. સંસ્થા શીખવે અને લોકો અમલ કરે તો ઊલટો રાજીપો થાય. એસીટીનું લક્ષ્ય જ એ છે કે, ગામો, શહેરોના યુવાનો, લોકો, જાતે સમજે, શીખે અને ભૂગર્ભજળ સાચવવા માટે મહેનત કરે, તેવું યોગેશભાઈ કહે છે. ફ્યુચર વિઝન એટલે કે, ભાવિ આયોજન વિશે પૂછતાં યોગેશ જાડેજા કહે છે કે, કચ્છ જેમ રાજ્ય સ્તરે ભૂગર્ભજળ સંચય પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાજ્યસ્તરનાં સંગઠનની રચના કરવી છે. ભૂગર્ભજળ ગુરુકુળને સર્વિસ સેન્ટરમાં રૂપાંતરિત કરવાં છે. એ સિવાય સૌથી મહત્ત્વનાં ભાવિ લક્ષ્ય રૂપે કચ્છ યુનિવર્સિટીમાં સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપનના વિષયને અન્ય મુખ્ય પ્રવાહના અભ્યાસક્રમોની જેમ સ્થાન મળે તે દિશામાં પ્રામાણિક પ્રયાસ કરવાનો સંકલ્પ યોગેશભાઈ વ્યક્ત કરે છે. ટૂંકમાં એવું કહી, સમજી શકીએ કે યુવા પેઢી ભૂગર્ભજળને ભણશે અને સાચવશે તો આવનારી પેઢી તરસી નહીં રહે. 

Panchang

dd