• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

કંડલા સેઝથી આર.ઓ.બી. સુધીના રાજ્યના માર્ગનું ડીપીએ દ્વારા કરાયું મજબૂતીકરણ

ગાંધીધામ, તા. 12 :  કંડલા ઝોનથી પોર્ટ તરફ જવાના રસ્તે નકટી ઓવરબ્રિજનું કામ વિલંબથી ચાલી રહ્યું છે. રાજ્ય સરકાર હસ્તકનો આ રસ્તો પણ ખખડધજ  હોવાના કારણે પોર્ટ સુધી અવરજવર કરવામાં વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે, ત્યારે પોર્ટ સુધી પહોંચવામાં વાહનોને મુશ્કેલી ન પડે તે માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા  રાજ્ય સરકારના  માર્ગનાં મજબૂતીકરણની કામગીરી કરવામાં આવી છે. નકટી પુલનું કામ લાંબા સમયથી  અટકેલું પડયું છેસાથોસાથ સ્મશાન પાસે ઓવરબ્રિજ બનતો હોવાથી કે.કે. રોડ ઉપર ભારે વાહનોની અવરજવર બંધ હોવાથી કંડલા ઝોન થઈને તમામ વાહનો  પોર્ટ ઉપર જઈ રહ્યાં છે. બે મહિના પૂર્વે કંડલામાં ભારે ટ્રાફિકજામ  સર્જાયો હતો. આ મામલે પોર્ટ વપરાશકારો દ્વારા પણ  પ્રશાસન સમક્ષ  રજૂઆત કરવામાં આવી હતી કે, પોર્ટ સર્વાધિક કાર્ગો હેન્ડલિંગની કામગીરીની દિશામાં પગલાં લઈ રહ્યું છે, ત્યારે પોર્ટ તરફ જતા રસ્તાની બિસ્માર હાલત અંગે પગલાં લેવાય. આ  અંગે પોર્ટ પ્રશાસન દ્વારા રાજ્ય સરકારના સંબંધીત તંત્રો સમક્ષ  રજૂઆતો કરી માર્ગનાં સમારકામ અંગે રજૂઆત કરી હતી. રોડની આ પરિસ્થિતિના કારણે પોર્ટની કામગીરીને અસર પડે તેમ હોઈ ચેરમેન સુશિલકુમાર સિંઘે રાજ્ય સરકારના આ માર્ગના મજબૂતીકરણ કરવાની સૂચના આપી હતી. હાલ કંડલા ઝોનથી આર.ઓ.બી. સુધી 1.7 કિલોમીટરનો માર્ગ અને નકટી પુલના બે કલ્વર્ટ સહિતના રોડની મજબૂતીકરણની કામગીરી  ઝડપભેર ચાલી રહી છે, જેથી પોર્ટ સુધી પહોંચવામાં વાહનચાલકોને તકલીફ નહીં પડે.    

Panchang

dd