ભુજ, તા. 12 : જળવાયુ પરિવર્તન સહિતની અસરના
કારણે ઋતુચક્ર રીતસરનું ખોરવાઈ ગયું છે. કમોસમી વરસાદ વરસવો હવે સામાન્ય થઈ ગયો છે, ત્યારે વાતાવરણીય ફેરફારોના કારણે કચ્છમાં ડેન્ગ્યૂના
કેસોમાં ગત વર્ષની તુલનાએ વધારો જોવા મળ્યો છે. જો કે, આરોગ્ય
વિભાગના દાવા અનુસાર અટકાયતી પગલાં ભરાતાં અકંદરે સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાયું
હતું. કચ્છમાં જાન્યુઆરીથી લઈ નવેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી ડેન્ગ્યૂના 183 કેસ સત્તાવાર રીતે નોંધાયા
છે. ગયાં વર્ષે આ સમયગાળામાં ડેન્ગ્યૂના 173 જેટલા કેસ નોંધાયા હતા, જેની સરખામણીએ આ વર્ષે છ ટકા કેસ વધુ જોવા મળ્યા છે. - મોસમી બદલાવનાં કારણે કેસો
વધ્યા : રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કેશવકુમારે
કહ્યું કે, સામાન્ય રીતે કચ્છમાં જૂનથી
લઈ સપ્ટેમ્બર સુધી ચોમાસું રહેતું હોય છે, પણ છેલ્લાં કેટલાંક
વર્ષોથી વરસાદ વરસવાની પેટર્ન બદલાતાં ડેન્ગ્યૂના કેસો વધ્યા છે. મે માસથી વરસાદ વરસવાની
શરૂઆત થઈ પછી સમયાંતરે વરસાદે વિરામ લીધો અને પછી વરસાદ વરસવાનો ક્રમ દિવાળી બાદ સુધી
ચાલ્યો હતો. આ કારણે વરસાદી પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જે ડેન્ગ્યૂના
કેસમાં વધારા માટે કારણભૂત છે. - શહેરી વિસ્તારમાં પ્રમાણ વધુ : આરોગ્ય વિભાગમાંથી મળેલી આંકડાકીય વિગત
અનુસાર જિલ્લામાં ભુજ, ગાંધીધામ,
મુંદરા અને અંજાર જેવા શહેરી વિસ્તારમાં ડેન્ગ્યૂના કેસ વધુ પ્રમાણમાં
નોંધાયા છે. જો કે, આરોગ્ય વિભાગે સર્વેલન્સ ટીમ ઉતારી ઘરોઘર
મોજણી કરવા સાથે મચ્છર ઉત્પત્તિના સ્થાનોના નાશ કરવા સહિતનું કાર્ય કરતાં કેસો નિયંત્રણ
હેઠળ આવ્યા છે. - ઔદ્યોગિક
એકમોમાં રોગનો ફેલાવો વધુ : કચ્છના ગ્રામીણ
વિસ્તારો ખાસ કરીને સરહદી વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોનો વ્યાપ વધતાં રોગનો ફેલાવો વધુ
વધ્યો છે. સરહદી વિસ્તારના ઔદ્યોગિક એકમોમાં ડેન્ગ્યૂના વધુ કેસ નોંધાતાં ખાસ કરીને
દિનારા પીએચસી હેઠળ આવતા વિસ્તારમાં નિરીક્ષણ વધારી દેવામાં આવ્યું છે. દિનારા ઉપરાંત
ગોરેવાલી, સુમરાસર સહિતની ટીમોને ઉતારી અટકાયતી પગલાં
ભરવામાં આવી રહ્યાં છે. ખાનગી એકમના સ્ટાફને પણ તાલીમ આપવામાં આવી રહી છે. - ગત વર્ષે નોંધાયા હતા 249 કેસ : ગયાં વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન કચ્છમાં ડેન્ગ્યૂના
249 કેસ નોંધાયા હતા. આ વર્ષે કેસનું
પ્રમાણ વધે તેવું હાલની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે.