• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ બનો

દેવેન્દ્ર વ્યાસ દ્વારા : નાના રતડિયા, તા. 11 : ધર્મ અને રાષ્ટ્ર એક જ છે. વિશ્વમાં સનાતન ધર્મનું ઉત્થાન થાય એટલે હિન્દુસ્તાનનું ઉત્થાન થાય. સબ કુછ નારાયણ હૈ, યે ધર્મ કા સત્ય હે. જીવન પવિત્ર કરવા માટે તપસ્યા, સાધના કરવી પડે. સમય આવી ગયો છે કે, વિજ્ઞાન ને ભારતીય પ્રાચીન પરંપરાને ઉજાગર કરતાં જ્ઞાનની જગતને જરૂર છે. સ્વબોધ, પર્યાવરણ, સમરસતા, નાગરિક કર્તવ્ય અને કુટુંબ મિલન એમ પંચતત્ત્વનો આવિષ્કાર કરવામાં જીવનની ધન્યતા છે એમ શ્રીપીઠ આશાપુરા માતાજી મંદિર પરિસરે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ મહોત્સવમાં પ્રમુખ અતિથિપદેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ઉદ્બોધનમાં કહ્યું હતું. પ્રથમ સત્રના પ્રારંભે મુખ્ય દાતા અનિલભાઈ પેથાણી પરિવાર દ્વારા અર્પિત મંજુલાબેન મણિશંકર વીરજી પેથાણી મણિરત્નમ ભવન અને ભોજનાલયના તકતી અનાવરણ સાથે લોકાર્પણ કરી શ્રી ભાગવતના કરકમળે જ્યારે હંસાબેન પરસોત્તમ સેંઘાણી (રાજપર) પરિવાર દ્વારા અર્પણ કરાયેલા દેવ-ધન સત્સંગ હોલનું નામાભિધાન અને લોકાર્પણ જગદ્ગુરુ શંકરાચાર્ય પૂ. વાસુદેવાનંદજી સરસ્વતીના વરદહસ્તે કરાયું હતું. મુખ્ય મહેમાન પદેથી  મોહન ભાગવતજીએ પ્રધાનમંત્રી શ્રી મોદીના `આત્મનિર્ભર ભારત'ને સાકાર કરવા હાકલ કરતાં જણાવ્યું હતું કે, ભારત બડા હોગા તબ ધર્મ બડા હોગા. દેશ કાર્ય, ધર્મકાર્યમાં મન-વચન અને કર્મથી યોગદાન આપવું સમયનો તકાજો છે. અનાવશ્યકતાનો અસ્વીકાર કરવામાં ડાહપણ છે. નિયમો તોડવા નહીં. સંવિધાનનું પાલન કરવું, કાનૂનમાં લેખિત ન હોય તેવી અલિખિત સભ્યતાનું પણ સંવર્ધન કરવું. ભાષા, ભૂષા, ભોજન, ભજન, ભ્રમણમાં સંસ્કારોનું અનુસરણ કરવાની શીખ આપતાં જણાવ્યું કે, ધર્મસ્થાન અને સ્મશાન હિન્દુઓ માટે વાડાબંધી મુક્ત હોય તે જરૂરી છે. સપ્તાહમાં એક દિવસ પરિવાર સાથે ગાળવો અને સંવાદ કરવો, સહભોજન કરવું જેથી તાણાવણા અકબંધ રહે. તેઓએ પ્રદેશ, રાષ્ટ્રકાજે તથા યોગ્ય સેવા આપવા હાકલ કરી હતી. સંસ્થાના ટ્રસ્ટી મંડળ વતી ગાદીપતિ કલ્યાણનંદગિરિજી મહારાજ, ટ્રસ્ટીઓ સામજીભાઈ નાકરાણી, વસંતભાઈ ભદ્રા, રણજિતસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, દેવેન્દ્ર વ્યાસ, નારાણભાઈ ચૌહાણ (પટેલ), મનોજભાઈ અમૃતિયા, અરજણભાઈ નાકરાણીના હાથે શાલ-મોમેન્ટો વડે શ્રી ભાગવતનો સત્કાર કરાયો હતો. નિર્મોહી, ધર્મપરાયણ અને દરિયાદિલ મુખ્યદાતા ટૂંકા સમય માટે વિદેશથી આવીને શ્રી ભાગવતને આવકારવા આવ્યા તેવા અનિલભાઈ મણિશંકર પેથાણી (ફરાદી)નો સન્માનપત્ર-મોમેન્ટો વડે ટ્રસ્ટીગણે ઋણસ્વીકાર કર્યો હતો. જગદ્ગુરુ શંકરાચાર્યજી મહારાજે ધર્મબોધમાં જણાવ્યું કે, દ્વેષ હોય ત્યાં દોષ દેખાય. પરિવાર-સમાજ-રાષ્ટ્ર અને ભગવત સેવાની સુબુદ્ધિ ભાગવત રસપાન ગ્રહણ થકી આવે એટલે સેવાર્થે જીવતરને વાવવું. અભ્યુદય હોય ત્યારે ક્ષમાશીલ બનવું. યતો ધર્મ, તતો જય । જીવનમાં ક્ષમા આપવાની યોગ્યતા પ્રાપ્ત થવી આવશ્યક છે. આયોજન અનુસાર સવારે પવનકુમાર શાત્રીએ જ્યારે બપોર બાદ સ્વામી જિતેન્દ્રનાથજીએ કથામૃત પાયું હતું. મુખ્ય દાતા અનિલકુમાર મણિશંકર પેથાણી (કારા જ્વેલર્સ-દુબઇ)એ મોહન ભાગવતજીનું ઉમળકાભેર સ્વાગત કર્યું. પીઠાધીશ કલ્યાણનંદગિરિજીએ પણ અભિવાદન કર્યું હતું. શ્રી ભાગવતે શ્રીપીઠ મંદિરે પૂજન-અર્ચન કરીને વિસ્તૃત જાણકારી લેતાં તીર્થધામને ગરિમાપૂર્ણ મૂલવ્યું હતું. બપોર બાદના સત્રમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવે, હિન્દુ યુવાવાહિનીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિક્રમસિંહ રાઠોડ, તા.પં. પ્રમુખ કેવલ ગઢવી, મહેન્દ્ર રામાણી, ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઇ ઉગાણીભરતભાઇ ગોરત્રિકમભાઇ આહીર, જયદેવભાઇ આહીર, દાતા પુરુષોત્તમભાઇ સેંઘાણી, ડો. ચિંતનભાઇ સચદે, ડો. કનૈયાલાલ વૈષ્ણવ, દીપકભાઇ સચદે, શાંતિલાલભાઇ ગણાત્રા, રિતેશભાઇ વારા વગેરેએ ધર્મલાભ લીધો હતો. પ્રાયોજક પરિવાર વતી કીર્તિભાઇ રાજગોરે આવકાર આપ્યો હતો. 

Panchang

dd