ભુજ, તા. 11 : બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના
61મા સ્થાપના દિવસના અવસરને અનુલક્ષીને સીમાઓની
સુરક્ષા, સંબંધોની મજબૂતીના સૂત્રોચ્ચાર સાથે બે દિવસ
પૂર્વે જમ્મુથી ભુજ સુધી બીએસએફ 2025 મેરેથોન મોટરસાઈકલ રેલીનું પ્રસ્થાન થયું હતું અને આ રેલીનો
ભવ્ય ફ્લેગઓફ સમારોહ વીરદેવ સ્ટેડિયમ બીએસએફ કેમ્પ પલૌરા ખાતે યોજાયો હતો. આ બાઈક રેલીલને
પંજાબમાં પસાર થતાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં સીમા સુરક્ષા દળના
કર્મચારીઓ, સરહદી રહેવાસીઓ,
વિદેશી રમતવીરો અને સામાન્ય લોકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી,
જે ફિટનેસ, હિંમત અને રાષ્ટ્રીય ગૌરવના પ્રેરણાદાયી
મિશ્રણને પ્રતાબિંબિત કરે છે. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીક બીએસએફના ડી.જી. દલજિતાસિંહ
ચૌધરી અને બોલીવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી,
પ્રખ્યાત પેરાઆર્ચર રાકેશ કુમાર અને બોલીવૂડ અભિનેતા વિવેક રાઝદાન
ઉપસ્થિત રહ્યા હતા. દોડ બાદ મુખ્ય મહેમાન અને મહેમાનો દ્વારા વિજેતાઓને ટ્રોફી,
મેડલ અને રોકડ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સભાને સંબોધતાં
ડી.જી. દલજિતાસિંહે વિજેતાઓને અભિનંદન આપીને રમતગમત દ્વારા એકતાને પ્રોત્સાહન આપવા
બદલ તમામ સહભાગીઓના ઉત્સાહની પ્રશંસા કરી હતી અને તેમણે ભાર મૂક્યો હતો કે,
આવા કાર્યક્રમ મિત્રતાના બંધનને મજબૂત બનાવે છે, શિસ્ત અને શારીરિક અને માનસિક તંદુરસ્તી પ્રત્યે બીએસએફની પ્રતિબદ્ધતાને પ્રતાબિંબિત
કરે છે. બીએસએફ મોટરસાઈકલ રેલીને ડી.જી. શ્રી
ચૌધરીએ લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. જમ્મુથી ભુજ સુધીના રૂટને આવરી લેતી
આ રેલીનો હેતુ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશ ફેલાવવાનો છે. રેલીમાં ભાગ લેનારાઓ
અનેક રાજ્યોમાંથી પસાર થશે, જેમાં દેશભરમાં એકતા અને રાષ્ટ્રીય
ગૌરવને પ્રોત્સાહન મળશે. 9થી 20 નવેમ્બર સુધી જમ્મુથી ભુજ સુધીની
આ રેલી રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય સુરક્ષામાં બીએસએફના ગૌરવપૂર્ણ યોગદાનને ઉજાગર કરવા અને ડ્રગ્સના
દુરુપયોગ સામે જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં આશરે 1,742 કિ.મી.નો પ્રવાસ કરશે. આ રેલી
જમ્મુથી નીકળ્યા બાદ સાંજે પંજાબમાં પ્રવેશી હતી,
ગુરદાસપુરની લિટલ ફ્લાવર કોન્વેન્ટ સ્કૂલ પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત ગુરદાસપુરના ડીઆઈજી એચ.ક્યુ. ગુરદાસપુર દ્વારા
બીએસએફ અધિકારીઓ અને સૈનિકો સાથે વિશાળ જાહેર સભા, એનસીસી કેડેટ્સ
અને મીડિયા પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. યુવાનોને પ્રેરણા આપવા માટે
શસ્ત્ર પ્રદર્શન અને દેશભક્તિના પ્રદર્શન સાથેનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો
હતો. આ બાઈક રેલી ભુજ તરફ આગળ વધી રહી છે અને પંજાબ બીએસએફના હેડ ક્વાર્ટર ગુરદાસપુર, ફિરોઝપુર, ડેરા બાબા નાનક, અજનાલા,
અટારી બોર્ડર, ભીખીવિંડ અને ખેમકરણમાં બહોળો પ્રતિસાદ
મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, 21મીના ભુજમાં બીએસએફના 61મા સ્થાપના દિવસનો રાષ્ટ્રીય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો
છે. દેશના ગૃહમંત્રી અમિત શાહની ખાસ ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમની તડામાર તૈયારીઓ
શરૂ થઈ ચૂકી છે. જમ્મુથી ભુજ તરફ નીકળેલી આ મોટરસાઈકલ રેલી 20મીના ભુજ આવી પહોંચશે.